સુરત શહેરના સોશિયો સર્કલ નજીકના સર્વોદય પેટ્રોલ પંપ પર ફ્રી પાણીની બોટલને લઈ થયેલા ઝઘડામાં દારૂના નશામાં ધૂત બાઈકસવારને માર માર્યા બાદ પોલીસને સોંપી દેવાયો હતો. તે જ દરમિયાન પોલીસ સ્ટેશનમાં યુવક મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતક રવીન્દ્રએ પહેલી જુલાઈની રાત્રે રૂપિયા 500 નું પેટ્રોલ ભરાવી ફ્રી પાણીની બોટલ માગતાં પંપના કર્મચારીઓ સાથે ઝઘડો થતાં માર માર્યો હતો.
ઇજાગ્રસ્ત રવીન્દ્રને પોલીસ સારવારને બદલે પોલીસ સ્ટેશન લઈ ગયાના થોડી જ મિનિટોમાં તેનું જેલમાં મોત નીપજ્યું હોવાનું મૃતકના ભાઈએ જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત ભાઈની મુલાકાતે ગયેલા નાનાભાઇ હિતેન્દ્રને રવીન્દ્રએ એટલું જ કહ્યું કે મને સારું નથી લાગતું કહી જમીન પર ઢળી પડ્યો હતો. પેટ્રોલ પંપ પર ઝઘડાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ખટોદરાના એસીપીએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઝઘડાના સીસીટીવી સામે આવ્યા છે. ગ્રાહક અને કર્મચારી વચ્ચે મારામારીની ઘટના બની છે.
ગ્રાહક દારૂ પીધેલી હાલતમાં હતો અને મૃતકના મિત્ર સામે દારૂ પીધેલાનો કેસ પણ કર્યો છે. હાલ મેજિસ્ટ ઇન્કવેસ્ટ ભરીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
મૃતકનો ભાઇ હિતેન્દ્ર સાવલિયાએ જણાવ્યું હતું કે રવીન્દ્ર રહે. રુદરપુરા. બાલાજી વેફર્સમાં ટેમ્પોચાલક હતો. પહેલી જુલાઈના રોજ રાત્રે મિત્ર જોડે બાઇક પર સોશિયો સર્કલ નજીકના સર્વોદય પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો. 500 ના પેટ્રોલ પર એક પાણીની બોટલ ફ્રી હોવાની ઓફરને લઈ ભાઈ રવીન્દ્રએ પાણીની બોટલ માંગી હતી. એ બાબતે ઝઘડો થતાં તમામ કર્મચારીઓએ ભેગા થઈ તેને માર માર્યો હતો, જેને લઈ ભાઈ અધમૂવો થઈ જમીન પર પડી ગયો હતો.
પેટ્રોલ પંપના કર્મચારીઓની ફરિયાદને લઈ પોલીસ ઇજાગ્રસ્ત ભાઈને સિવિલ લઈ જવાની બદલે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને લોકઅપમાં બેસાડી દીધો હતો. ઘટનાની જાણ બાદ હું પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. ભાઈ સાથે ઘટનાની હકીકત જાણી હતી. મને સારું નથી લાગતું, એમ કહેતાં ભાઈને સારવાર માટે લઈ જવાની વાત કરું એ પહેલાં જ તે જમીન પર ઢળી પડ્યો હતો. તાત્કાલિક બૂમાબૂમ કરી દેતાં 108 ને કોલ કરી બોલાવી લેવાઈ હતી. ભાઈને 108 માં સિવિલ લાવતાં તેને મૃત જાહેર કરાયો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે પાણીની ફ્રી બોટલમાં ભાઈને ફ્રી માં મોત મળ્યું છે. અમને ન્યાય જોઈએ, સર્વોદય પેટ્રોલ પંપના હુમલાખોર 15 જેટલા કર્મચારીને સજા થવી જોઈએ. આખી ઘટના પંપના CCTV માં આવી ગઈ છે. બસ, ન્યાય નહીં મળે તો કોર્ટનાં દ્વાર ખખડાવીશું.
સર્વોદય પેટ્રોલ પંપના માલિક પરસોતમભાઈ પટેલે જણાવ્યું હતું કે 1500 રૂપિયાના પેટ્રોલ પર ફ્રી પાણીની બોટલની ઓફર ચાલે છે. ગ્રાહકે માત્ર 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવી બોટલની માંગ કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાય ગયો હતો અને હાથાપાઈ પર ઊતરી પડ્યો હતો, જેના બચાવમાં કર્મચારી પણ હાથ ઊંચકે છે, એ દરમિયાન પોલીસને જાણ કરી દેવાઈ હતી. પોલીસ આવ્યા બાદ તેને સમજાવવાનો પ્રયાસ પણ કરાયો હતો અને પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ હતી.