ગુજરાત રાજ્યમાં અનેક કારણોસર બાયોડીઝલના કેટલાય સેમ્પલો ફેલ થવાને કારણે અગાઉ પંપોને સીલ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાતના કેટલાય સ્થળો પર ખુલ્લેઆમ ગેરકાયદેસરના બાયોડીઝલના વેપલાનું રેકેટ ચાલી રહ્યું છે જેના માટે પોલીસ ટીમ સક્રિય બની છે.
સુરત મેગા સીટીમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે બાયોડીઝલના પંપ ચાલી રહ્યા હતા. વેચાણ કરનારાઓ ખુલ્લેઆમ બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે જ્યાં વેપલો ચાલવામાં આવે છે ત્યાં સરકારના નિયમોના પુરેપુરા ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. જેની બાતમી સુરત પોલીસને થતા સુરત પોલીસ બાયોડીઝલના વેપલાનું રેકેટને ઝડપી પાડવા માટે એક્શન મોડમાં આવી હતી અને સરથાણા વિસ્તારના અલગ અલગ ચાર ગેરકાયદેસરના બાયોડીઝલના પંપ પર રાત્રી દરમિયાન રેઇડ કરવામાં આવી હતી જેમાં ત્રણ જગ્યા પર ગેરકાયદેસર બાયોડીઝલનાં વેચાણનો વેપલો ચાલી રહ્યો હતો સાથે ત્રણ જગ્યા પરથી મોટા પ્રમાણમાં બાયોડિઝલ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને વેપલા ચલાવનાર વિરૂધ્ધ સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બાયોડીઝલને કારણે પર્યાવરણને પણ ઘણું નુકશાન પહોંચે છે. ભરૂચ જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે પર પાનોલીથી પાલેજ વચ્ચે આશરે 50 થી 60 જેટલાં બાયોડીઝલના ગેરકાયદેસરના પંપો આવેલા છે જેમાં દિવસ-રાત બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપી રહ્યું નથી જાણે વેચાણ કર્તાઓ દ્વારા તંત્રનું મોં બંધ કરી દેવામાં આવ્યું છે તેવી ચર્ચાઓ થઇ રહી છે. ભૂતકાળમાં બ્લાસ્ટ થવાને કારણે લોકોના મોત થવાના કિસ્સા સામે આવ્યા હતા તેમ છતાં ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલના પંપ પર પોલીસના આશીર્વાદ હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
વડોદરા પોલીસે તેની હદ વિસ્તારમાં આવેલા બાયોડીઝલના દરેક પેટ્રોલ પંપોને હટાવી દીધા છે અને સુરત પોલીસે પણ ગેરકાયદેસરના પંપોને જપ્ત કરવા માટે કામગીરી હાથ ધરી છે, શા કારણે ભરૂચ પોલીસ ચાલી રહેલા આટલા મોટા રેકેટની કામગીરી હાથ નથી ધરી રહી ?
જયદીપ રાઠોડ, સુરત.