સુરત સીટીના વરાછામાં મીની બજારના એક જ્વેલરી શોપમાં સાડા ચાર માસ પહેલાં ચાલાકીથી 18 લાખના હીરા ચોરીને ભાગી છૂટેલા ઠગને વરાછા પોલીસે હિમાલચ પ્રદેશથી પકડી પાડયો હતો સાથે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. અમરોલી-કોસાડ રોડ પર દ્વારકાધીશ સોસાયટી ખાતે રહેતા અમિતવાળા મહિધરપુરા ખાતે હીરાનો વેપાર કરે છે.
ગત તા.1 ફેબ્રુઆરીના રોજ તેમના જીજાજી હસ્તક હીરાદલાલ પિયુષ સિહોરાનો સંપર્ક થયો હતો. પિયુષભાઈ તેમણે વરાછા-મીનીબજારમાં સાયોના જ્વેલર્સમાં લઇ ગયા હતા. અહીં હીરા દલાલ અજય વાવડીયા સાથે સંપર્ક થયા બાદ તેમણે હીરાનું પેકેટ બતાવ્યું હતુ. અજય વાડિયાએ પોતાની પાસે રહેલા 1700 કેરેટ વજનના રફ હીરા બતાવવાની વાત કરી હતી. અમિતવાળા રફ હીરા બતાવવા કહેતા અજયે ઓફિસના માળિયા પર મુકેલો પ્લાસ્ટિકના ડબ્બામાંથી રફ હીરા કાઢ્યા હતા.
થોડાં રફ હીરા જોવા માટે આપ્યા બાદ હીરાનું પડીકું ટેબલના ડ્રોઅરમાં મુકી દીધું હતું. હીરા બોઇલ કરવા અજય વાવડિયા બીજા રૂમમાં ગયા હતા. જોકે, ત્યારબાદ ચાલાકી કરી અજયે ટેબલના ડ્રોવરમાં પાછળથી મોટો હોલ પાડી તેમાં મુકેલા 18.27 લાખના હીરાનું પડીકું લઇ ભાગી છૂટ્યો હતો.
તપાસ કરતા પ્લાસ્ટિકના ડબ્બામાંથી ચિલ્ડ્રન બેંકની 2 હજારની નોટના બંડલ મળી આવ્યા હતા. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનાના માસ્ટર માઇન્ડ દિપક ઉર્ફે અજય વાવડીયા મધુભાઇ દેવાણી રહે, મોટા વરાછા- મુળ લાઠી, અમરેલીને હિમાલચ પ્રદેશના કુલુ જિલ્લાના મનાલી તાલુકાના જગતસુપથી પકડી પાડ્યો હતો. પોલીસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે.