સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરૂધ્ધમાં ટીપ્પણી કરનાર સુરતના આરોપીને સાઇબર ક્રાઈમ સેલના અધિકારીઓએ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન મોદીના પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી ફોટો પોસ્ટ કરાયો હતો. આ સાથે ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
આરોપી અરવિંદ ઉર્ફે એ. કે. પટેલ વઘાસીયાની પોલીસે અટક કરી તપાસ શરૂ કરી છે. સાઇબર સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે અરવિંદ ઉર્ફે એ. કે. પટેલ કાનજીભાઇ વઘાસીયા રહે., ધનમોરા સર્કલ, કતારગામે ગત 7 માર્ચથી 19 માર્ચ અને 23 માર્ચના રોજ એ.કે.પટેલ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટના ચાલકે તેના એકાઉન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે બનાવટી ઇલેક્ટ્રોનીક રેકોર્ડ પોસ્ટ કરી હતી.
આ સાથે તે ફોટો પોસ્ટ કરી ભાજપ વિરૂધ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી પોસ્ટ વાઇરલ કરી હતી. સરકાર તરફથી સાયબર ક્રાઇમમાં કલમ-469, 504, 500 મુજબનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં સંડોવાયેલ આરોપી અરવિંદ ઉર્ફે એ.કે. પટેલ કાનજીભાઇ વઘાસીયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે.