પોતાની શૈક્ષણિક લાયકાત છુપાવીને ખોટા સર્ટીથી પાલિકામાં બેલદાર અને સફાઇ કામદારની નોકરી મેળવનાર 5 સામે પાલિકાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી પોલીસપુત્ર સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. પાલિકાની વિજીલન્સ તપાસમાં ફુટેલા ભાંડામાં એક યુવતી સહિત 5 લોકોએ ધો. 10 અને ધો.12 સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં બેલદાર-સફાઇ કામદારની નોકરી મેળવવા માટે ધો-4 થી ધો-9 સુધીનો અભ્યાસ બતાવી શૈક્ષણિક લાયકાત છુપાવી ખોટા સર્ટિ રજૂ કર્યા હતા. આ અંગે મહાનગર પાલિકાની વિજીલન્સ ટીમે તપાસ કરી હતી.
જેમાં 5 આરોપીઓનો ભાંડો ફુટી ગયો હતો. મહાનગર પાલિકાના કાયદા વિભાગના આસિસ્ટન્ટ અધિકારી રવિ શાહે લાલગેટ પોલીસ સ્ટેશનમાં પાંચેય સામે ફરિયાદ નોંધાવી હતી. લાલગેટ પોલીસે નીતિન સન્મુખલાલ પટેલ(રહે પીપલોદ પોલીસ લાઇન), વૈભવ હસમુખ પટેલ (રહે,ડુમસ) અને રીચી મહેશ પટેલ(રહે,ભીમપોર) અને યુવતી અંકીતા આહીર(રહે,નવસારી)ની ધરપકડ કરી છે. જેમાં આરોપી નીતિન પટેલના પિતા સન્મુખલાલ અઠવાલાઇન્સ પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે.
જયદીપ રાઠોડ : સુરત