કોરોના બાદ રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના સાજા થયેલા અને રજા આપવામાં આવી હોય તેવા દર્દીઓને આપવામાં આવતી દવાનો ‘નો સ્ટોક’ હોવાનું કહી દેવાતા દર્દીઓમાં રોષ જોવા મળ્યો છે.
મ્યુકોરમાઇકોસિસ પીડિત દર્દીને ફરી આ રોગ નહીં થાય તે માટે તબીબો પોસા કોનાઝોલ નામની ટેબ્લેટ આપી રહ્યા છે, પરંતુ સિવિલ પ્રશાસન દર્દીને પૂરતી દવા નહીં આપી સગા-સંબંધીને ધરમ ધક્કા ખવડાવી રહ્યા છે, જેને લીધે દવા નહીં મળતા દર્દીને ફરી મ્યુકોરમાઈકોસિસ થવાના ભયથી પરિવારજનો ચિંતાતુર બન્યા છે, તબીબોએ પણ આ દવા સમયસર નહીં મળે તો સાજા થયેલા દર્દીને ફરી મ્યુકોરમાઇકોસિસ થવાનું જોખમ રહેલું હોવાનું જણાવ્યું છે.
વિના પરીણ ભીલવાળા, પ્રફુલા વિજપ ગોહિલ, વિજયાબેન વિપુલભાઈ સુહાગીયા અને નલીનભાઇ સુરેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે આ કરતાં વધારે દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર લીધી છે અને સાંજ થયા બાદ રજા લઈ ઘરે આરામ કરી રહ્યા છે. જોકે, ગત શનિવારે રજા આપવામાં આવેલા આ તમામ દર્દીઓને જરૂરી એવી પોસા કોનાઝોલ નામની ટેબ્લેટ આપવામાં આવી નથી અને સોમવારે દવા લેવા માટે દર્દીના સગા-સંબંધીને બોલાવાયા હતા. જોકે, સોમવારે પણ સિવિલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરના કર્મચારીઓએ સરકાર દ્વારા પોસા કોનાઝોલ ટેબલેટ આવી નથી અને આવતીકાલે ફરી તપાસ કરવા આવજો એમ કહી હાથ ઊંચા કરી દીધા હતા.
જેને પગલે આક્રોચિત સગા-સંબંધી આરએમઓ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. સંબંધીઓએ કહ્યું હતું કે, સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ખાતે ફક્ત ચાર દર્દીના નહીં પણ બીજા પણ પંદરથી વીસ દર્દીના સગા-સંબંધી આવ્યા હતા. બધાને દવા માટે ધરાર ના પાડી દેવાઈ હતી.દર્દીના સંબંધી અતુલ બાબરીયાએ જણાવ્યું હતું કે, સિવિલમાંથી મ્યુકોરમાઇકોસિસના દર્દીને સાજા થયા બાદ રજા આપવામાં આવે છે અને બીજી દવા સાથે પોસા કોનાઝોલ નામની ટેબ્લેટ ચાલુ રાખવા સૂચન કરાઈ રહ્યું છે, જે પ્રથમ દિવસે ત્રણ ત્રણ અને ત્યારબાદ દરરોજ ત્રણ ટેબ્લેટ લેવાની હોય છે. પરંતુ સિવિલમાં આ ટેબ્લેટ મળતી જ નથી. જો ટેબ્લેટ હોય તો પણ ફક્ત બે દિવસની અપાય છે.
ત્યારબાદ ત્રીજા દિવસે ફરી આ ટેબ્લેટ લેવા જવું પડે છે, ત્યારે જો ટેબ્લેટ નહીં હોય તો બીજા દિવસે ફરી ધરમધક્કા ખાવા પડે છે. ઘણા દર્દી સુરત બહારના પણ હોય આ દવા માટે સૌથી વધુ દયનિય હાલત તેમની થાય છે.વિજય ગોહિલ (મ્યુકરમાઇકોસિસથી પીડિત પત્નીના પતિ) એ જણાવ્યું હતું કે, મારી પત્નીને શનિવારના રોજ રજા આપવામાં આવી હતી ત્યારબાદ પોસા કોનાઝોલ નામની ટેબ્લેટ ચાલુ રાખવા જણાવામાં આવ્યું હતું. જોકે દવા સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં નો સ્ટોક હોવાથી RMO કેતન નાયકને મળ્યા હતા. જેમણે સોમવારે મળી જશે એમ કહ્યું હતું. પરંતુ સોમવારે પણ લાઇનમાં ઉભા રાખી સ્ટોક આવ્યો નથી એવું કહી દેવાયું હતું. ઘણા દર્દીઓ દૂર દૂરથી માત્ર દવા માટે ધરમ ધક્કા ખાય રહ્યા છે. રોજ લાઇનમાં ઉભા રહેવાનું અને કાલે આવી જશે એવું સાંભળી કાન પણ દુઃખવા લાગ્યા છે. સરકારને વિનંતી છે કે અમારી પીડા સમજે, અમે એસીમાં બેસીને દવા લેવા નથી આવતા.