સુરતમાં ભાજપનો ગઢ મનાતા સુરત શહેરમાં રાજકારણ ગરમાયું છે. સુરત મનપાની ચૂંટણીમાં 27 સીટો જીતનાર આમ આદમી પાર્ટી પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષમાં બેસી છે. જોકે તે બાદ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાર્યકર્તાઓના પક્ષ પલટાને લઈને રાજકારણ ગરમાયુ છે. સુરત આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપના સક્રિય કાર્યકરો આપમાં જોડાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સુરતના પુણા, કતારગામ બાદ હવે અડાજણ વિસ્તારમાંથી પણ ભાજપના 400 જેટલા સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.જોકે આજે ભાજપે આ બાબતે સ્પષ્ટીકરણ કરીને બચાવ કર્યો છે. ભાજપે દાવો કર્યો છે કે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના કાર્યકરો આપમાં જોડાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે સદંતર ખોટું છે. પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે એકાદ બે કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ગયા હોય શકે છે. પરંતુ 250-400 સંખ્યામાં કાર્યકરો ભાજપ છોડીને ગયા હોય તે વાતમાં તથ્ય નથી.
આપ પાર્ટીની મિટિંગ ગમે તે વિસ્તારમાં હોય પણ કાર્યકરો એકના એક જ હોય છે. તેમને ભાજપ સાથે કોઈ સંબંધ નથી. કેટલાક બનાવોમાં તો સોસાયટી દ્વારા અન્ય કારણોસર મિટિંગ બોલાવવામાં આવી હોય તો પણ આપના હોદ્દેદારો પહોંચી ફોટોગ્રાફ્સ લઈને તમામ લોકો આપમાં જોડાયા હોવાનું જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. આમ, એકતરફ આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આપ ભાજપના ગઢમાં ગાબડું પાડી રહ્યું છે તો બીજી બાજુ બોખલાયેલી ભાજપને આજે આ દાવો ખોટો છે તે કહેવા ખુલાસો આપવાની ફરજ પડી હતી.
જયદીપ રાઠોડ,સુરત