જાહેરમાં જન્મ દિવસની ઉજવણીના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલા અસામાજિક તત્વોથી લઈ વેપારીઓ અને કેટલાક રાજકીય કાર્યકર્તાઓ પણ જન્મ દિવસની ઉજવણી કરતા કેમેરામાં કેદ થયા હતા.
હવે જીલ્લાનાં બ્રિજ પર કેટલાક યુવાનોએ બર્થ ડે ઉજવણી કરી પોલીસ અને પોલિટીશિયન એટલે કે સરકારને ચુનોતી આપી છે. જન્મ દિવસની ઉજવણીમાં વ્યસ્ત આ યુવાનોએ પણ ભૂલી ગયા કે એમની ફિલ્મ (વીડિયો) બની રહી છે. બ્રિજ પર રોડની એક બાજુએ બર્થ ડે સેલિબ્રેશન થઈ રહ્યું હતું તો બીજી બાજુ એક જાગૃત નાગરિક પોલીસને જગાડવા જન્મ દિવસની ઉજવણીનો વીડિયો બનાવી રહ્યો હતો.
સુરત જીલ્લાનાં બ્રિજ ઉપર જાહેરમાં બર્થ ડે મનાવતા યુવાનોનો વધુ એક વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. રાહદારીઓની અવરજવર વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી યુવાનોએ કોવિડ ગાઈડલાઈનના નિયમોના જાહેરમાં ધજાગરા ઉડાડ્યા છે. એટલું જ નહીં પણ એક મિનિટ અને 7 સેકન્ડના આ વીડિયોમાં યુવાનો બ્રિજ ઉપર ડાન્સ કરી એક બીજા ઉપર કેક લગાડતા હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે.
હાથમાં ફમ સ્પ્રે, બોટલ અને મનમાં ઉત્સાહનો નવો નજારો જોઈ એમ જ લાગે કે હવે કોરોના છે જ ક્યાં, લોકો જન્મ દિવસની સાથે સાથે હવે બજારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી રહ્યા છે પછી એ શાકભાજી માર્કેટ હોય કે કાપડ માર્કેટ, રેસ્ટોરન્ટ, પછી ખાવા પીવાની લારી, આવી અનેક જગ્યાઓ પણ હાલ મહામારીના સમયમાં કોવિડ ગાઈડલાઈનને તોડી પોતાની મસ્તીમાં રહેતા લોકો ચોક્કસ દેખાય છે. પોલીસ પેટ્રોલીંગ થઈ રહ્યું છે છતાં તમામ જગ્યાઓ પર લોકો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
જયદીપ રાઠોડ, સુરત