સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ-2ના 16માં માળે આગ લાગી ગઈ છે. જેની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચાલુ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગ ભારે ઉંચાઈ પર લાગી હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા ક્રેઈર્નનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.હાલ આગ કાબૂમાં આવી ગઈ હોવાનું સામે આવ્યું છે.મિલેનિયમ માર્કેટ-2માં લાગેલી આગના કારણ દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતાં. જેથી આસપાસમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. સમગ્ર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ ફાયરબ્રિગેડની વિવિધ ઝોનની પણ મદદ લેવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે, કોલ મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આઠ જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી કામ હાથ ધરવામાં આવ્યું. ટેક્સટાઈલ માર્કેટમાં એક માળમાંથી બે માળ કર્યા હોય તે રીતે 16માં માળે આગ લાગી હતી. આગની જાણ થતાં કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જ માળ પર આગને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે. કાપડનો જથ્થો હોવાથી આગના ધુમાડા વધુ નીકળ્યા હતાં.