સુરતના અઠવાગેટ ચોપાટી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો વિરોધ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સમય પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના બેનરો અને ઝંડા લગાડ્યા હતાં. કોંગ્રેસ દ્વારા નક્કી કરેલા સમયે ઉપર કાર્યક્રમ સ્થળ ઉપર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. સાથે જ વિરોધ કરનારાની અટકાત કરી લેવામાં આવી હતી.
સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું કે, પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે. લોકશાહીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સામે કોઈ વિરોધ હોય તો લોકશાહી ઢબે તેને પ્રદર્શિત કરવાનો સૌ કોઈને હક છે. પરંતુ આ તાનાશાહી સરકારે રાજકીય પક્ષો તો ઠીક લોકોના વિરોધ કરવાના હકને પણ છીનવી લીધો છે. કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં રાખવા માટે કોઈ નીતિ નથી. કેન્દ્ર સરકાર જાણે પેટ્રોલ-ડીઝલના ભાવને લિટરે રૂપિયા ઉપર પહોંચાડવાના મનસુબા સાથે આગળ વધી રહી છે આ સૂટ બૂટ ની સરકાર ને ગરીબ અને મધ્યમ પરિવારની કોઈ ચિંતા નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારા અંગેના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યક્રમને નિષ્ફળ કરી નાખ્યો હતો. પોલીસ દ્વારા છુટા છવાયા ઉભા રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે કાર્યકર્તાઓ હજી તો કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તેમને ડિટેઈન કરી લેવાયા હતાં. જે કાર્યક્રમ સ્થળ હતું ત્યાં આગળ કોંગ્રેસના સિમ્બોલ પણ હટાવી દેવામાં આવ્યા હતાં. તમામ ડિટેઇન કરેલા કાર્યકર્તાઓને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.