સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને પગલે અર્થતંત્રને વધુ નુકસાન પહોંચ્યું હતું. એક સમયે રાજ્યનું આર્થિક પાટનગર ગણાતું સુરત હાલ આર્થિક મોરચે પુનઃ પોતાની હરણફાળ ભરવા માટે હાંફી રહ્યું છે. કોરોના મહામારીના બીજા તબક્કાની સૌથી ઘાતકી લહેર બાદ તો હાલત સૌથી વધુ ખરાબ થઈ છે. આ તમામ વિષમ સ્થિતિ વચ્ચે હવે તો મહાનગર પાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઈ ચુકી છે. બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જનતાની સુવિધા માટે શરૂ કરેલા પ્રકલ્પો પણ હવે ધોળા હાથી સમાન પૂરવાર થઈ રહ્યા છે. સતત ઘટી રહેલી આવક વચ્ચે ખર્ચને પહોંચી વળવા માટે નિઃસંકોચ આગામી દિવસોમાં મનપાના વિકાસ કાર્યો પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે.સને 2018-19 માં પ્રાણી સંગ્રહાલય, એક્વેરીયમ અને ગાંધી સ્મૃતિ સહિતની પ્રોજેક્ટો થકી સુરત મહાનગર પાલિકાને 8.55 કરોડની આવક થવા પામી હતી. જ્યારે સને 2019-20 માં આ આવક ઘટીને 7.71 કરોડ પર પહોંચી હતી. સને 2019-20 માં આવક ઘટવા પાછળનું મુખ્ય કારણ ગાંધી સ્મૃતિ ભવન હતું. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ ઝોન વિસ્તારમાં છ ઓડિટોરિયમો બનાવવામાં આવ્યા છે. જે નાગરિકો અને સંસ્થાઓને ખાનગી ઉપયોગ માટે ભાડે આપીને મહાનગર પાલિકા દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયાની આવક રળતું હતું. પરંતુ કોરોનાની મહામારીમાં આ તમામ ઓડિટોરિયમો શોભાના ગાંઠિયા બની રહ્યા
રિનોવેશનને પગલે કમાઉ દીકરા સમાન ગાંધી સ્મૃતિ ભવન બંધ કરી દેવામાં આવતાં એક જ વર્ષમાં 70 લાખથી આવક ઘટીને 26 લાખ પર પહોંચી જવા પામી હતી. જો કે, કોરોના મહામારીને પગલે નાણાંકીય વર્ષ 2020-21 માં લોકડાઉન અને આંશિક લોકડાઉન સહિત સંક્રમણને ધ્યાનમાં રાખીને મહત્તમ સમય સુધી આ તમામ હરવા-ફરવા અને પીકનીકના સ્થળો બંધ રાખવામાં આવતાં આખા વર્ષ દરમ્યાન આવક રોકડા ૫૨ લાખ રૂપિયાની જ થવા પામી છે. જયારે આ પ્રોજેક્ટોના મેઈનટેનન્સ અને કર્મચારીઓ પાછળ મહાનગર પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક ભારણ અલગથી પડ્યું હતું. આખા વર્ષ દરમ્યાન આ તમામ પ્રોજેક્ટો થકી મહાનગર પાલિકાને માત્ર 5 લાખ જેટલી જ આવક મળી છે જેની સામે સિક્યુરિટી-સ્ટાફ અને મેઈનટેનન્સ પાછળ જ લાખોનો ખર્ચ મહાનગર પાલિકાએ ભોગવવાનો વારો આવ્યો છે.
મનપા દ્વારા બનાવવામાં આવેલ ગાંધી સ્મૃતિ, રંગ ઉપવન, સરદાર સ્મૃતિ ભવન, સંજીવ કુમાર, પર્ફોમિંગ્સ આર્ટ ગેલેરી અને સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયો પૈકી એકમાત્ર ગાંધી સ્મૃતિ ભવન રિનોવેશનના અભાવે બંધ કરી દેવામાં આવ્યું હતું. બાકીના તમામ ઓડિટોરિયમો થકી 5.15 લાખની આવક સામે ખર્ચનો આંકડો મોટો જોવા મળી રહ્યો છે.