સૌજન્ય-સુરતઃ પીએમ નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, દેશની પહેલી બુલેટ ટ્રેન સુનિશ્ચિત સમયના એક વર્ષ પહેલાં એટલે કે 2022માં જ શરૂ થઈ જાય. 2022માં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવશે અને આ પ્રસંગે દેશવાસીઓને આ ગિફ્ટ આપવા ઈચ્છે છે. જેથી બુલેટ ટ્રેન શરૂ કરવાના સુનિશ્ચિત સમયના એક વર્ષ પહેલાં જ રેલવે દ્વારા ગુજરાતના સુરતથી બીલીમોરા(50 કિમોમીટર) વચ્ચે પહેલી બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવી શકે છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે(અંદાજે 508 કિમોમીટર) બુલેટ ટ્રેન 2023માં શરૂ કરવામાં આવી શકે છે.
ઓટોમેટીક ટ્રેક લગાવવામાં આવશે
રેલવેએ પહેલીવાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના રૂટ પર ઓટોમેટીક ટ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. ઓટોમેટીક ટ્રેકથી તૂટેલા પાટાને સરળતાથી શોધી શકાય છે. રેલવે આ યોજનાથી યાત્રાને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભૂકંપ વખતે પણ પાટા પર દોડશે ટ્રેન
બુલેટ ટ્રેનના નિર્માણકાર્ય સાથે સંકળાયેલી નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશને જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનમાં આગની જાણકારી મેળવવા માટે એડવાન્સ સિસ્ટમ પણ હશે. આ સિસ્ટમ ભૂકંપના સમયે ટ્રેનને પાટા પરથી ઉતરતા બચાવશે. યાત્રા દરમિયાન એક બોગીથી બીજી બોગી સુધી આગને ફેલાતા અટકાવવા માટે સ્લાઈડીંગ દરવાજા લગાવવામાં આવશે. સાથે જ બોગીમાં આગ બુજાવવા માટે યોગ્ય પ્રમાણમાં સાધનો હશે. સુરક્ષાની દ્રષ્ટીએ આ બાબતો મહત્વની છે.
ટેકનીકથી કર્મચારીઓની મહેનત ઓછી થશે
રેલવેના જણાવ્યા પ્રમાણે, આ સિસ્ટમમાં ઈલેક્ટ્રીકલ કંટ્રોલ સર્કિટનો ઉપયોગ થશે. સર્કિટ દ્વારા તૂટેલા પાટાની જાણકારી કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે. આ ટેકનીકથી અનેક કર્મચારીઓની મહેનત ઓછી થઈ જશે. જે દરરોજ ટ્રેકનું નિરિક્ષણ કરવાનું કામ કરે છે.