સુરતઃ એશિયન ગેમ્સમાં (ગુરૂવાર) ભારત માટે સુવર્ણમય બન્યો હતો. 4 બાય 100 મીટર રિલે વુમન દોડમાં ભારતીય ટીમમાં સામેલ થયેલી ડાંગી દોડવીર સરિતા ગાયકવાડની ટીમે પણ ભાગ લીધો હતો. અને ડાંગી દોડવીર સરિતાએ સોનેરી દોડ દોડીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ઉત્કૃષ્ટ દેખાવ સરિતાએ ડાંગ અને ગુજરાતનું ગૌરવ દુનિયામાં વધાર્યું હતું. દેશ વતી સરિતાએ 13મો ગોલ્ડ મેળવ્યો છે.
સરિતાએ ગોલ્ડ મેડલ જીતી વધારી શાન
આપણા દેશમાં એથ્લેટિક્સમાં બહુ ઓછા ખેલાડીઓ છે. અન તેમાં પણ ગુજરાતમાં તો બહુ ઓછા છે. ત્યારે ગુજરાતીઓ ખેલાડી ન હોવાના મ્હેણાંને ભાંગતા ડાંગની દોડવીર સરિતાએ દોડ લગાવી હતી. ગુરૂવારે સાંજે છ વાગ્યે યોજાયેલી મહિલાઓની 4 બાય 100 રિલે મેચમાં સરિતા ગાયકવાડ ભારતીય ટીમ વતી દોડી હતી. રિલેમાં દોડનાર સરિતાની ટીમે ભારતનું નામ રોશન કર્યું હતું. અને ગોલ્ડ મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો હતો.
માતા-પિતા ડાંગના ગામમાં મજૂરી કરે છે
સરિતા ગાયકવાડનો જન્મ 1 જૂન, 1994માં ડાંગના કરાડીયાઆંબામાં લક્ષ્મણભાઇને ત્યાં થયો હતો. તેની માતાનું નામ રમુબેન છે. તેઓ ચોમાસામાં ખેતી કામ કરે અને શિયાળા અને ઊનાળામાં તેઓ બીજા ગામે જઈ મજૂરી કામ કરીને ઘરનું ભરણ પોષણ કરે છે. સરિતા ગાયકવાડ પહેલા ખો -ખોની ખેલાડી હતી. વર્ષ 2012માં તેણે ખેલમહાકુંભમાં પાંચ ઇવેન્ટમાં ભાગ લઇ પહેલા નંબરે આવી હતી. જેમાં તેને પાંચેય રમતમાં 25 હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું હતું. જેના બાદ તેની જીંદગીમાં બદલાવ આવ્યો. એક સ્ટેટના કોચે કહ્યું કે દોડમાં મહેનત કર. ત્યાર બાદ તેણે સ્ટેટ અને નેશનલ લેવલની દોડમાં ભાગ લીધો. સરિતા ગાયવાડ અને તેનું પરિવાર એક નાના ઝુંપડા જેવા જ ઘરમાં રહે છે અને તેમાં જ તેઓ ખુશ છે.
ગુજરાતનું ગૌરવ સરિતા
ડાંગના ખોબા જેવડા અંતરિયાળ ગામમાંથી આવતી સરિતાએ કોઈ જ સુખ સગવડ વગર એશિયા લેવલે મેડલ જીત્યા હતાં.ત્યારબાદ ગોલ્ડકોસ્ટ ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એશિયન ગેમ્સમાં દોડનારી ગુજરાતી યુવતી તરીકે સરિતાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
ઉદ્યોગ સાહસી ગુજરાતમાં પણ સ્પોન્સર મળતા નથી
ગુજરાતમાં ઘણા મોટા ઉદ્યોગો છે. દેશમાંથી દુનિયાભરમાં થતી ઇવેન્ટ્સ માટે સ્પોન્સર બનતા હોય છે પરંતુ પોતીકી દીકરી સ્પોન્સરશીપ મેળવવા માટે ફાંફા મારી રહી છે. તેણે કહ્યું કે મારે એક જ સમસ્યા છે. મારે આગળ વધવું છે. પરંતુ મને સ્પોન્સરર નથી મળતા.