સમગ્ર દેશ-દુનિયામાં કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે, દિવાળી બાદ કોરોનાની મહામારીમાં ગુજરાતમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ મહામારીને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા હાલમાં રાજ્યના અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે ત્યારે, આ મહામારીના ખોફ વચ્ચે નેતાઓ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે.ગુરુવારે રાત્રે સુરત શહેરથી દૂર કોસમડી ગામના સહજાનંદ ફાર્મ હાઉસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી અને તે ઉજવણીનો વિડિયો વાઈરલ થતા પોલીસ ઊંઘતી ઝડપાઇ ગઈ હતી.
વિડીયો વાયરલ થયા બાદ શુક્રવારે આ ઉજવણીના સંદર્ભમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા સમેત 7 લોકો સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને બાદમાં આ તમામની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી છે.જયારે, આ ઉજવણી મોટા પાયે થઇ હોવા છતાં બેદરકારી દાખવનાર એક એએસઆઇ અને ત્રણ કોન્સ્ટેબલ સહિત ચારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ ગુરુવારે પાસ નેતા અલ્પેશ કથિરિયાનો જન્મદિવસ હોઈ તેના સમર્થકો દ્વારા કોસમડી ગામના સહજાનંદ ફાર્મ હાઉસમાં ડાયરો-ભોજન સહિતની ઉજવણીના કાર્યક્રમો રાખ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા.કાર્યક્રમ દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો સંપૂર્ણ છેદ ઉડી ગયો હતો.અલ્પેશ સહિત મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા. તેના સમર્થકોએ તેને ખભા પર બેસાડી લીધો હોય અને ડાયરામાં ડી.જે સાઉન્ડ પર તેઓ ઝુમતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા. વિડીયો વાયરલ થતા જ પોલીસ સફાળી જાગી હતી અને શુક્રવારે અલ્પેશ કથીરિયાની તેના ઘરેથી અટકાયત કરી હતી. પોલીસે અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા, સંજય માવાણી, નીકુજં કાકડીયા, પૂર્વ નગરસેવક નીલેશ કૂભાણીની ધરપકડ કરી છે.