સુરત, 21 ડિસેમ્બર : ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે અને તે અંગેની તમામ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર ન્યાસના પૂર્ણ માર્ગદર્શન તળે આ સમગ્ર ભવ્ય મંદિરનું નિર્માણ થશે.આ મંદિરના નિર્માણમાં દરેક હિન્દૂ પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.આ સમિતિના દક્ષિણ ગુજરાત પ્રાંતના કાર્યાલયનો શુભારંભ સોમવારે સવારે સુરત શહેરના ઉધના ખાતે કરવામાં આવ્યો.આ પ્રસંગે હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયના સંતો, શીખ ધર્મના સંતો, વીએચપી તેમજ સંઘ પરીવારના વિવિધ પદાધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યાલયના શુભારંભ પ્રસંગે સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર અભિયાન 15 જાન્યુઆરીથી 29મી ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે.આ પ્રસંગે તેમને ભૂતકાળમાં શ્રી રામજન્મભૂમિ સ્થાન માટે કરવામાં આવેલા આંદોલન અને વીએચપીનાં કાર્યકર્તાઓના યોગદાનને યાદ કરી હિન્દૂ સમાજને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત હિન્દૂ મિલન મંદિરના સ્વામી અંબરીશાનંદજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામજન્મભૂમિ સ્થાન પર નિર્માણાધીન ભવ્ય મંદિરમાં પ્રત્યેક નાગરિક, પ્રત્યેક કાર્યકર્તા રામભક્ત બનીને સહયોગ કરે.હજારો વર્ષો જૂનું આપણું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.ત્યારે આ મંદિરનું સંકુલ જે બનશે તે ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક હશે.
શહેરના અગ્રણી ઉદ્યોગપતિ અને શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે જેમ ભગવાન શ્રીરામની સાથે વાનરસેના હતી તેમ આપણે વાનરસેનાની જેમ કરી કરવાનું છે આપણે તો ફક્ત નિમિત્ત છીએ, કરનારો તો ઈશ્વર છે.દેશમાં 18 કરોડ હિન્દૂ સમાજના ઘરો છે.ત્યારે આ પ્રત્યેક ઘરમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે નિધિ એકત્રિત કરવાનો હેતુ એ છે કે તેના થકી પ્રત્યેક હિન્દૂના મનમાં એ ભાવના જાગે કે આ ભવ્ય મંદિરના નિર્માણમાં મારુ યોગદાન છે.
આ કાર્યક્રમમાં મેયર ડો.જગદીશભાઈ પટેલ,સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય ઝંખનાબેન સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કાર્યકર્તાઓના ” જયશ્રી રામ ” ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઢોલના તાલે કાર્યાલયના પ્રારંભ દરમ્યાન કાર્યકર્તાઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.
સુરતમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંતનું કાર્યાલય ખુલ્લું મુકાયું
Advertisement