સુરત, 18 ડિસેમ્બર : આજે માગશર સુદ ચોથ એટલે વચનામૃત જયંતી. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા-સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી એટલે વચનામૃતની 201મી જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વચનામૃત ગ્રંથનું આજે ભક્તિભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું. વચનામૃતનો મહિમા દર્શાવતા સંત શિરોમણિ અનાદિસિદ્ધદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વચનામૃત અદ્ભુત આધ્યાત્મિક ગ્રંથ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢપુર, વડતાલ, અમદાવાદ, કારિયાણી, લોયા, પંચાળા વગેરે જુદા-જુદા સ્થળોએ કથામૃતનું રસપાન કરાવ્યું અને સદગુરૂ સંતોએ તેમનું લેખન કર્યું. આ ગ્રંથ જીવોના મોક્ષને માટે ઉત્તમ ગ્રંથ છે. મનુષ્યને જીવનમાં ઉન્નતિ પામવા માટેના સરળ માર્ગો તેમાં બતાવવામાં આવેલ છે. જે મનુષ્ય અન્ય વ્યક્તિઓમાં ગુણ દેખે છે અને પોતાનામાં દોષ જુએ છે તે દિવસે ને દિવસે સત્સંગને વિષે વૃદ્ધિને પામે છે. પ્રશ્નોત્તરી રૂપે લખાયેલા આ ગ્રંથમાં તમામ ધર્મના ગ્રંથોનો સાર સમાયેલો છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતના મહંત હરિકેશવદાસજી સ્વામી, અનાદિસિદ્ધદાસજી સ્વામી, ધર્માત્માપ્રિયદાસજી સ્વામી, સનાતનદાસજી સ્વામી વગેરે સંતો તેમજ હરિભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત : શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણામાં વચનામૃત જયંતીની ઉજવણી કરવામાં આવી
Advertisement