સુરત, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ફાયર–એનઓસી ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વક્તા તરીકે એલકેડી ઇન્ડિયા, ગુજરાતના સીઇઓ એલ.કે. ડુંગરાણીએ ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ સર્વેને આવકારી પ્રારંભિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો કરોડો રૂપિયાનું રોકાણ કરી અદ્યતન ઇન્ડસ્ટ્રીનું નિર્માણ કરે છે અને લાખો લોકોને રોજગારી પણ આપે છે. પરંતુ અકસ્માતે બનતી આગની ઘટનામાં જાનમાલનું નુકસાન થાય છે, કયારેક જીવ ગુમાવવાનો પણ બનાવ બને છે. આથી ઇન્ડસ્ટ્રીને આગથી બચાવવા માટે ચેમ્બર દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એલ.કે. ડુંગરાણીએ તેમના વક્તવ્યમાં ફાયર – એનઓસી માટેના રૂલ્સ / રેગ્યુલેશન, ઇમ્પ્લીમેન્ટેશન અને ફાયર એનઓસી મેળવવાની પ્રક્રિયા જેવા વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2013માં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ એક્ટ પસાર કર્યો હતો અને વર્ષ 2014માં તે અંગેના નિયમો બહાર પાડયા હતા. ત્યારબાદ વર્ષ 2016માં રેગ્યુલેશન બહાર પાડયું હતું અને 2016 તથા 2018માં જરૂરી ફેરફારો કર્યા હતા. વર્ષ 2015માં ગુજરાતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું અને રાજ્યમાં ગાંધીનગર ખાતે ડાયરેકટર ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર્સ એક્ટની જગ્યા ઉભી કરવામાં આવી હતી. પાંચ રિજીયનમાં કોર્પોરેશન વિસ્તારમાં ચીફ ફાયર ઓફિસરને અને કોર્પોરેશન સિવાયના વિસ્તારમાં રિજીયોનલ ફાયર ઓફિસરને આ અંગે સત્તાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2020ના વર્ષમાં ગુજરાતને ફરી આઠ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ ચાર ઝોન અંગેની માહિતી આપી હતી તે તમામ વિગતોની તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી. તમામ ઓકયુપન્સી રહેણાંક વિસ્તાર અને બિન રહેણાંક વિસ્તાર ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફટી મેઝર્સ એક્ટ હેઠળ નેશનલ બિલ્ડીંગ કોડ 2016માં દર્શાવ્યા મુજબની ફાયર પ્રિવેન્શનની સઘન સામગ્રી વસાવવાની અને તેને કાર્યક્ષમ સ્થિતિમાં નિભાવવાની બાબતે ભાર મુકયો હતો. ઉદ્યોગોમાં અલગ અલગ પ્રકાર, તેનો વિસ્તાર, ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલ, બિલ્ડીંગની ઉંચાઇ, કામ કરતા માણસોની સંખ્યા અને હેઝાર્ડ પ્રમાણે ઇન્સ્ટોલેશન થવું જોઇએ તે મુદ્દા ઉપર તમામ પ્રકારના ઉદ્યોગોએ કેવા પ્રકારની વ્યવસ્થા કરવી તે અંગે વિગતવાર સમજ આપી હતી. આ તમામ અગ્નિશામક સાધનો અને ફાયર એક્ષ્ટીંગ્યુશરના બોટલો અંગે ફકત ક્વોલિટી પ્રોડક્ટનો ઉપયોગ કરવા અંગે જુદા–જુદા દાખલાઓ આપી સમજ પુરી પાડી હતી. તમામ પ્રકારના ઉદ્યોગોએ પણ ફાયર એનઓસી ફરજિયાત લેવાની છે તેમ જણાવ્યું હતું.કયા ઉદ્યોગો લાઇટ હેઝાર્ડ, કયા ઉદ્યોગો મોડરેટ હેઝાર્ડ અને કયા ઉદ્યોગો હાઇ હેઝાર્ડમાં આવે છે તે તમામ બાબતો અંગે વિગતવાર તેમણે સમજણ આપી હતી. રાજ્યમાં નવા શરૂ થતા બિલ્ડીંગો માટે એનઓસી મેળવવાની કાર્ય પદ્ધતિ અને હયાત ઉદ્યોગો માટે એનઓસી મેળવવાની કાર્ય પદ્ધતિની સમજ આપી હતી. આ ઉપરાંત ફાયર સેફટી ઓફિસર્સની ત્રણ કેટેગરી જેવી જનરલ કેટેગરી, એડવાન્સ કેટેગરી અને સ્પેશ્યાલિસ્ટ કેટેગરીના ફાયર સેફટી ઓફિસરો છ મહિનાના સમયાંતરે ઇન્સ્પેકશન કરી રિન્યુઅલની કામગીરી ઓનલાઇન અપલોડ કરશે.તેમ તેમણે જણાવ્યું હતું.
સુરત ચેમ્બર ઓફ કોમર્સમાં ઉદ્યોગકારોને‘ફાયર–એનઓસી’વિશે માર્ગદર્શન અપાયું
Advertisement