સુરત: 18 વર્ષના છોકરાને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કામ કરતો જોઇ તેને ચાઇલ્ડ લેબરમાં ખપાવી કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.11હજારની માંગણી કરનારા 4 વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોતાને મીડિયા કર્મી જણાવી માર્કેટમાં મજૂરી કરતાં લોકોનો વીડિયો ઉતારી કોન્ટ્રાક્ટર પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે.
સોમવારે બનેલી એક ઘટના પ્રમાણે રીંગરોડ સ્થિત અભિનંદન માર્કેટમાં 18 વર્ષના છોકરાને કટીંગ અને ફોલ્ડીંગનું કામ કરતાં જોઇને તેનો વીડીયો મોબાઇલથી ઉતારીને તેના કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 11 હજારની માંગણી કરવામાં આવી હતી. જોકે વીડિયો જોયા પછી કોન્ટ્રાક્ટરે રૂપિયા આપવા ઇન્કાર કરતાં ઉઘરણાં કરતી ગેંગે પોતાની ઓળખ મીડિયા કર્મી તરીકે આપી હતી. તેમ છતાં પણ રૂપિયા આપવા ઇન્કરાર કરતાં આ ઉઘરાણાં કરનારાઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થતાં માર્કેટ એસોસિએશનના હોદ્દેદારોએ ફોન કરી પોલીસને માર્કેટમાં બોલાવ્યા હતા. પોલીસે આવીને 4એ જણાની ધરપકડ હાથ ધરી હતી.
આ ગેંગના લીડર હિરેન મહેતા પોતાની ટીમ સાથે અગાઉ પણ માર્કેટમાં આવી રીતે ધાક ધમકીથી લાખો રૂપિયાની વસુલાત કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની કાર્યવાહીને આગળ વધતાં અટકાવવા આ ઠગ ડાયમંડ ગેંગના લીડરે કોન્ટ્રાક્ટર તથા ટેક્સટાઇલ યુવા બિગ્રેડના આગેવાનોને મામલો પોલીસ સ્ટેશનની બહાર પતાવી દેવા પણ ઓફર કરવામાં આવી. જેમની પાસેથી રૂપિયા લીધા છે તેને પાછા આપી દેવાની વાત પણ કરી હતી. જોકે રોષે ભરાયેલા વેપારીઓનું ટોળુ પોલીસ સ્ટેશન ધસી આવ્યું હતું. ઉઘરાણાં કરતી આ ગેંગ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.. Curtsey_DB