સુરત લિંબાયતમાં લુખ્ખા તત્વોએ ચાઇનીઝની લારી પર નાસ્તો કરીને પૈસા ન આપી ઉપરથી કારીગરોને માર મારી માલિકને ચપ્પુના ઘા ઝીકી તોડફોડ કરી હતી. તા.30 મીએ બનેલા બનાવ બાદ લિંબાયત પોલીસે 4 લુખ્ખા તત્વો સામે ગુનો નોંધ્યો હતો. જો કે, ઈજાગ્રસ્ત ચાઈનીઝની લારીના માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં બાદ તેનું મોત નીપજ્તાં પોલીસે હત્યાનો ગુનો ફરિયાદમાં ઉમેર્યો છે. ગોડાદરા આસપાસ ખોડીયાર નગરમાં રહેતા અને લિંબાયત ગોડાદરા શ્રીજી આર્કેડ પાસે ચાઇનીઝની લારી ચલાવતા ભાર્ગવ યશવંત ચૌધરી પાસે ગત રવિવારે રાત્રે ચાર લુખ્ખા તત્વો ચાઇનીઝની લારી પર ખાવા માટે આવ્યા હતા. નાસ્તો કર્યો પછી કારીગરે પૈસા માંગતા લુખ્ખા તત્વોએ તેને માર મારીને પૈસા ન આપવાની વાત કરી હતી. જેથી આ બાબતે કહેવા જતા લુખ્ખાઓએ ત્યાં મુકેલા ટેબલ-ખુરશીની તોડફોડ કરી હતી. કારીગરોને માર મારતા ભાર્ગવ વચ્ચે પડતા લુખ્ખાઓએ તેને પણ માર મારી ચપ્પુના ઘા ઝીંકી દઈ સામાન ફેંકી બાઇક પર ભાગી ગયા હતા. ચારેય જણા હિંદીમાં વાત કરતા હતા. આ આખી ધટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને પોલીસે 4 લુખ્ખા તત્વો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે ભાર્ગવ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે વહેલી સવારે મોતને ભેટ્યો હતો. ભાર્ગવ ચૌધરીના પિતાનું એક વર્ષ અગાઉ બીમારીના કારણે મોત નીપજ્યું હતું. માતાને કેન્સરની બીમારી છે. ભાર્ગવના પત્ની અને એક નાનો દીકરો તથા બીમાર માતા નિરાધાર બની ગયાં છે. એક જ વર્ષમાં પિતા બાદ દીકરાના મોતથી પરિવાર પરથી કમાનારની છત છીનવાઈ ગઈ છે.
સુરત : લિંબાયતમાં લુખ્ખા તત્વો દ્વારા ચાઇનીઝની લારી પર નાસ્તો કરી પૈસા ન આપી માલિકને ચપ્પુના ધા ઝીંકતા સારવાર દરમ્યાન મોત થયું.
Advertisement