સુરત મહાનગર પાલિકાના સત્તાધીશો વિકાસ કર્યાની ભલે ગમે તેટલી ડંફાશો હાંકે પરંતુ હકીકત કાંઈ જુદી જ જોવા મળી રહી છે. સુરતના કતારગામમાં 2 વર્ષ પહેલાં મુખ્યમંત્રી સિનિયર સીટીઝન સેન્ટર શરૂ કર્યું હતું પરંતુ તેનું લોકાર્પણ આજ દિન સુધી ન કરતા સીનીયર સીટીઝનો ઠગાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વર્ષ અગાઉ કતારગામ ખાતે સિનિયર સીટીઝન સેન્ટરનું નિર્માણ કર્યું હતું પરંતુ હજુય તેનું લોકાર્પણ કરાયું નથી અને હાલમાં તાળું મારવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાના સત્તાધીશોની બેદરકારીથી વડીલો યોગા, રીડિંગ રૂમ સહિત વિવિધ એક્ટિવિટીથી વંચિત રહ્યા છે. આ સેન્ટરનો લાભ આ વિસ્તારની 100 થી વધુ સોસાયટીના વડીલો લઈ શકે તેવી જાહેરાત કરાય હતી પરંતુ હજુય અનેક વડીલો આ સુવિધાથી વંચિત રહ્યા હોય, અગાઉ કરાયેલી મોટી મોટી જાહેરાતથી સ્થાનિક વરિષ્ઠ નાગરિકો ઠગાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. નોંધવું ઘટે કે ગત 18/1/2018 માં મુખ્યમંત્રીએ આ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ તેને વડીલો માટે ખુલ્લુ ન મુકાતા કેટલાયે વડીલો કતારગામ ઝોન ઓફિસ જવાબ લેવા પહોંચ્યા હતા અને ભવન બંધ કેમ રાખવામાં આવ્યું છે તે અંગે પૂછ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા ભવન બંધ રાખવા પાછળ યોગ્ય કારણ સુદ્ધા આપવામાં આવતું નથી. વડીલોને શૌચક્રિયાથી લઇ અનેક પ્રકારની મુશ્કેલી નડી રહી છે છતાંય પાલિકાના સત્તાધીશોની આંખ ઉઘડતી નથી. જેને કારણે સ્થાનિક લોકો અને વડીલોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ આ ભવનનું તાળું ખોલાવા વડીલો કતારગામ ઝોન ઓફિસ પહોંચ્યા હતા. આવનારા દિવસોમાં તાળું નહીં ખોલે તો વરિષ્ઠ નાગરિકો જાતે જ તાળું તોડી નાખવાની ચીમકી આપી હતી.
સુરત : કતારગામમાં 2 વર્ષ પહેલાં મુખ્યમંત્રી સિનિયર સીટીઝન સેન્ટર શરૂ કર્યું હતું પરંતુ તેનું લોકાર્પણ ન કરાતાં લોકોમાં રોષ.
Advertisement