રેલ્વે વિભાગ દ્વારા શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને ભોજન પીરસવામાં આવતું હોય છે. આજરોજ મુંબઈથી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં અનેક મુસાફરોને ફૂડ પોઇઝનિંગની અસર લાગતા સુરત સ્ટેશન ખાતે મુસાફરો ઉતરી પડ્યા હતા અને સુરત રેલ્વે સત્તાધીશોને ફરિયાદ કરી હતી.
સુરત સ્ટેશન આવતા ૩૨ જેટલા યાત્રીઓ સ્ટેશન ડાયરેકટરને મળ્યા હતા.મળતી માહિતી પ્રમાણે મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને બ્રેડ બટર અને કટલેસ પીરસવામાં આવી હતી.
હલકી ગુણવત્તાને કારણે અનેક યાત્રીઓની તબિયત લથડી હતી. સુરત સ્ટેશનના ડાયરેક્ટર સી.આર ગુપ્તાને મુસાફરોએ હલકી ગુણવત્તાના ભોજન અંગે ગંભીર ફરિયાદો કરતા સ્ટેશન ડાયરેક્ટરે રેલવેના તબીબને બોલાવી મુસાફરોની તાત્કાલિક સારવાર કરાવી હતી. રેલવે વિભાગના તબીબોએ ચાર મહિલાઓને ફૂડ પોઇઝનિંગની વધુ અસર થઈ હોવાનું કબૂલ્યું હતું અને મહિલાઓને જરૂરી સારવાર આપી હતી. સ્ટેશન ડાયરેક્ટર સી.આર ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓએ મુંબઇ વડી કચેરી ખાતે કેટરિંગ સર્વિસ પ્રોવાઇડરને ફરિયાદ કરી છે અને જરૂરી તપાસ બાદ કેટરીન સંચાલક સામે પગલાં લેવામાં આવશે.
મુંબઈથી અમદાવાદ શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં કેન્ટીન સંચાલક દ્વારા મુસાફરોને જે ભોજન પીરસાયું તેની ફૂડ પોઇઝનિંગની અસર થતા અનેક મુસાફરોની તબિયત લથડી હતી.
Advertisement