સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી પાલિકાની જગ્યા પર અડીંગો જમાવવા ગયેલા ભાજપી કાર્યકર સહિત તેના મળતીયાઓ દ્વારા પાર્કિંગની ઓફિસમાં તોડફોડ કરી ત્રણ લોકોને માર માર્યા બાદ જાનથી મારી નાખવા અંગેની ધમકી આપવામાં આવી હતી.આ અંગેની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી ભાજપી કાર્યકર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી ભાજપના ચિન્હવાળી સહિત ત્રણ ફોર વ્હીલ કાર પણ પોલીસે કબ્જે કરી છે. સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રહેતા અને માથાભારે તરીકેની છાપ ધરાવતા ભાજપી કાર્યકર જમીર પ્લાસ્ટિક સહિત આણી ટોળકીએ ગત રોજ રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટ પાછળ આવેલી પાલિકાની જગ્યા પર અડિંગો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં આવેલી પાલિકાની જગ્યા છેલ્લા 99 વર્ષ માટે સુરતના ગજેરા પરિવારને ભાડા પેટે આપવામાં આવી છે. ગજેરા પરિવારની લક્ષ્મી વેર એન્ડ હાઉસિંસ કંપનીની પાર્કિંગવાળી જગ્યાની અહીં ઓફિસ આવેલી છે અને તેનો કારભાર કંપનીના ભેરુલાલ રામભાઈ ચાવડા સંભાળે છે. દરમ્યાન ગત રોજ જમીર અને તેના મળતીયાઓ અહીં મોટી સંખ્યામાં ફોર વ્હીલ કારમાં ઘાતક હથિયારો અને લાકડાના ફટકા લઈ આવી પહોંચ્યા હતા. જ્યાં જગ્યા ખાલી કરાવવા માટે તમામે ભેરૂમલ અને તેના બનેવી સહિત ત્રણ લોકોને માર માર્યો હતો. ઘટના અંગે ભોગ બનનારે સલાબતપુરા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ આપતા આજ રોજ ભાજપી કાર્યકર જમીર પ્લાસ્ટિક ઉર્ફે જમીર લુકમાન ખાન પઠાણ સહિત ત્રણ આરોપીઓની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે ભાજપના ચિન્હવાળી સહિત ત્રણ ફોર વ્હીલ કાર જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ભાજપી કાર્યકર જમીર પ્લાસ્ટિક ઉર્ફે જમીર લુકમાન ખાન પઠાણ સહિત ત્રણ આરોપીઓની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.
Advertisement