સુરતના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ સુરત શહેરમાં ફરતી સીટી બસ સેવામાં ગંભીર પ્રકારની ખાપકી ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. તેમજ બી.આર.ટી.એસ.બસ સેવાના ઇજારેદાર કંપની સીટીલીંકને શંકાના દાયરામાં મૂકી દીધી છે.
તેઓએ સુરત લાંચ રૂશવત ખાતાના મદદનીશ નિયામકને લેખિત પત્ર પાઠવી સીટી બસના કંડકટરો દ્વારા ભાડાની રકમ ચાઉં કરી જવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોય તે અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.
દિનેશ કાછડીયાના માટે બી.આર.ટી.એસ.બસના વિવિધ રૂટોની બસોમાં કંડકટરો દ્વારા અગાઉ ભાડાની રકમ લઈ ટિકીટ ન આપી ખાપકી થતી હતી. પરંતુ હવે મુસાફરને ટિકીટ આપ્યા બાદ તે ટિકીટ પેનકેન પ્રકારે પરત મેળવી તે જ ટિકીટ અન્ય મુસાફરોને આપી ખાપકી કરાઇ રહી હોવાની આશંકા વ્યકત કરી છે.
તેઓએ સુરતમાં ફરતી સીટી બસ સેવાના ડ્રાઈવર, કંડકટર, રૂટ સુપરવાઈઝરો, મેનેજરોથી માંડીને સંલગ્ન મહાનગરપાલિકાનાં અધિકારીઓની તપાસ કરી મોટા ભ્રષ્ટાચારના રેકેટનો પર્દાફાશ કરવા લાંચ રૂશવત ખાતાને ગુજારીશ કરી છે.
સુરત મહાનગરપાલિકાનાં જાગૃત કોર્પોરેટર દિનેશ કાછડીયાએ શહેરમાં ફરતી બી.આર.ટી.એસ. બસના કંડકટરો દ્વારા મુસાફરોને ટિકીટ ન આપીને રૂપિયા ચાઉં કરી જતાં હોવાની ગંભીર ફરિયાદ લાંચ રૂશવત ખાતાને કરી છે.
Advertisement