સુરત સચીન જીઆઇડીસી બરફ ફેકટરી પાસે શ્રમ વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકી પર આચરાયેલા દુષ્કર્મ મામલે આરોપીઓને શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે. શકમંદ આરોપીનો સ્કેચ અને સીસીટીવી આધારે 25 જેટલી ટીમોઆરોપીની શોધખોળમાં જોડાઈ છે.
મૂળ બિહારનો પ્રવિણ પરિવાર સાથે સચીન જીઆઈડીસીમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 4 વર્ષની દીકરી બબલી છે. 16મીની રાત્રે 11 વાગ્યા બાદ બબલી તેના પિતા સાથે ઘરેથી આશરે 100 મીટરના અંતરે રામલીલા જોવા ગઈ હતી. તેના પિતા આશરે 11:45 વાગે આરતી લેવા ગયા ત્યારે બબલીનો હાથ છોડ્યો હતો. એકાદ મિનિટમાં આરતી લઈને પ્રવિણ બબલી પાસે આવ્યો ત્યારે દીકરી ન હતી. પ્રવિણ અને અન્યોએ શોધખોળ કરી પરંતુ મળી ન હતી. રાત્રે શોધખોળ કરી પરંતુ તે મળ્યા ન હતા. મળસ્કે ચાર વાગ્યે બબલી જાતે ઘરે આવી હતી. બાળકીને સમજાવીને પરિવાર દ્વારા પૂછતા તેણે પોતાની સાથે તમાચા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ પરિવારે પોલીસને જાણ કરી ન હતી. બબલીના ગુપ્ત ભાગે લોહીનાં ડાઘ હતા. આશરે 11:30 કલાકે પિતાએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ આરોપીને શોધવામાં રહેતાં બાળકીને બપોરે 3:00 કલાકે સારવાર માટે સિવિલમાં લવાઇ હતી. પોલીસે આ ગુનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણ-દુષ્કર્મઅને પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધી ટીમો બનાવી આરોપીની શોધખોળ કરી રહી છે.
4 વર્ષની બાળકી પર દુષ્કર્મના મામલે ક્રાઇમ બ્રાંચની 2 શકમંદોની સામે શંકાની સોય લાગી રહી છે. બન્ને શકમંદો બાળકીની બિલ્ડીંગની નજીકની બિલ્ડીંગમાં ભાડેથી રહે છે અને ઘટના બની તે સમયથી બન્ને ગાયબ છે. પોલીસને સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિ દેખાઇ છે. આ ચકચારિત કેસમાં બન્ને શંકમંદો મૂળ રાજસ્થાનના હોવાની વાત છે. હાલમાં આ મામલે પોલીસ અધિકારીએ કંઈપણ કહેવાનું ટાળ્યું છે અને માત્ર તપાસ ચાલુ છે એવું રટણ કર્યું હતું.આરોપીની શોધખોળ માટે પોલીસની 25 જેટલી ટીમ બનાવવાની સાથે તપાસ ઝડપી બને તે માટે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીની ટીમની દિવસમાં ચાર વાર મિટીંગ કરવામાં આવશે અને આ મિટીંગ ખુદ પોલીસ કમિશનર કરશે. હાલ તો સીસીટીવીમાં નજરે પડતા શંકાસ્પદ આરોપી અને એક સ્કેચ જાહેર કરી આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.