માણસના મૃત્યુ પછી સમયનું કોઈ મૂલ્ય હોતુ નથી,પરંતુ સુરતની વાત કરીએ તો મૃત્યુ પછી પણ એક કબર લોકોને સમય બતાવે છે. જીહા વિશ્વની એકમાત્ર એવી કબર જ્યાં એક એવી ઘડિયાળ ક્રોસ ના રૂપમાં જોવા મળે છે જે લોકોને કલાક મિનિટ અને સેકન્ડ ના રૂપમાં સમય બતાવી રહ્યુ છે. દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે. દુનિયામાં સોલાર ઘડિયાળ તો ઘણી હોય છે, પરંતુ સુરતના કતારગામમાં ડચ સિમેટ્રીમાં કબર ઉપર લગાવાયેલી 150 વર્ષ જૂની ડબલ આર્મ્ડ સોલાર ક્લોક દુનિયામાં ભાગ્યેજ જોવા મળતી સોલાર ઘડિયાળ છે. ઘડિયાળની સૌથી અનોખી વિશેષતા એછે કે, ડબલ આર્મ્ડ સોલાર ક્લોક વિશ્વની એવી પહેલી ક્લોક છે જે કબર પર ક્રોસ ઉપર બનાવામાં આવી છે.કબર ઉપરનો ક્રોસ 45° ખૂણા પર છે જેથી તેના આધારે પડછાયાની ગણતરી કરી શકાય.
અંગ્રેજ શાસનમાં 12મી રેજીમેન્ટ, મુંબઈ (એન.આઈ)માં કર્નલ જી.આર. ગ્રાઈમ્સનું વર્ષ 1865માં 25 એપ્રિલે મૃત્યુ થયુ હતુ. તેની કબર ઉપર તેમની વિધવા દ્વારા ક્લોક લગાવાઈ હતી. સોલાર ક્લોકની મહત્વની વાત એ છે કે, તેમાં અંકિત કરેલા કાપા પડછાયાના આધારે કરવામાં આવ્યા છે. દિવસમાં સવારે છ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધીમાં આ સમય બતાવે છે.અન્ય સોલાર ઘડિયાળ કરતા કઈ રીતે અલગ છે. ક્લોક આજની ઘડિયાળની જેમ જ કલાક, મિનિટ અને સેકન્ડને અનુસાર નાના,મોટા અને એનાથી મોટા એમ ત્રણ પ્રકારના કાપા કોતરાયા છે. ક્રોસના આડા ભાગમાં છેડા તરફના કાપા નજીક છે અને જેમ જેમ વચ્ચે જતા જઈએ તેમ તેમ કાપા દૂર થતાં જાય છે.આ પ્રકારની બનાવટ બદલાતા જતા પડછાયાને કારણે કરવામાં આવી છે. આ સોલાર ક્લોક એ પ્રમાણેની કારીગરી છે જેમાં એક સ્ટ્રક્ચરનો પડછાયો સ્ટ્રક્ચર ઉપર પડે છે એટલે કે ક્રોસની ઉપરનો પડછાયો ક્લોક પર જ પડે છે જેથી સમયની ગણતરી કરી શકાય છે.ઉભી પટ્ટી પર પણ કાપા બનાવમાં આવ્યા છે જે દિશાને માટે છે.કબર ઉપરનો ક્રોસ 45° ખૂણા પર છે કારણકે 45°ના આધારે જ પડછાયાની ગણતરી કરવામાં આવે છે.ડાબીબાજુના આર્મ ઉપર 9,10 અને 11 વાગ્યાની નિશાની છે. ક્લોકના ક્રોસ આર્મમાં ત્રણ કલાકનો સમય વહેંચાયો છે. જમણીબાજુના આર્મ ઉપર 1, 2 અને 3 વાગ્યાના નિશાન છે. 15-15મિનિટના ચાર ભાગ પછી કલાક કાપો અંકિત કરાયો છે.
આર્કિઓલોજીના અભ્યાસુ મિતુલ ત્રિવેદીનું કહે છે કે, આર્કયોલોજીકલ સોસાયટીએ આ સોલાર કલોકને માન્યતા આપી છે. આ પ્રકારનું સન ડાયલ સામાન્ય રીતે દિવાલ ઉપરના મોડલમાં ઉપયોગ કરાતુ હતુ. જોકે, આ પ્રકારનું વર્ટિકલ અને ડબલ આર્મ્ડ સન ડાયલનું મોડેલ વિશ્વમાં કોઈક કબર ઉપર હોય એવું ક્યાંય જોવા મળ્યુ નથી.
સુરત : દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે.
Advertisement