સાંધીએર ગામની ઐતિહાસિક પાવન ભૂમિ પર આવી કલેકટર ડૉ.ધવલ પટેલે ધન્યતા અનુભવી : બાપુ ને ભાવાંજલિ અપાઈ.
150મી ગાંધી જયંતિ નિમિત્તે લાઈફ મિશન કેન્દ્ર, સુરત, ઓ.એસ.નાઝર આર્યુવેદિક કોલેજ અને સાંઈનાથ પાવનધામ ટ્રસ્ટ, સાંધીએર ના સંયુક્ત ઉપક્રમે આજરોજ સાંધીએર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય અને સામાજિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે સાંધીએર ગામની ઐતિહાસિક પાવન ભૂમિ પર આવી કલેકટર ડૉ.ધવલ પટેલે ધન્યતા અનુભવી હતી. તેમણે બાપુને ભાવાંજલિ પણ અર્પી હતી.
આજરોજ તા.06-10-19ને રવિવારના રોજ સાંધીએર પ્રાથમિક શાળા ખાતે સપ્તવિદ કાર્યક્રમ યોજાયો હતો. આર્યુવેદિક કોલેજ,ના આચાર્ય સુરત ડો.સી.એમ.વાઘાણી અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી હતી. 150મી ગાંધી જયંતિ ચાલતી હોય ઉપરાંત સાંધીએર ગામની પાવન ધરતી ઉપર દાંડીકૂચ દરમ્યાન બાપુએ રાત્રિરોકાણ પણ કર્યું હોય આ પ્રસંગે બાપુને યાદ કરી સુત્તરની આંટીથી હાર પહેરાવી ભાવાંજલિ અપાઈ હતી. સ્વાગત પ્રવચન ગામના સામાજિક કાર્યકર અને લાઈફ મિશન કેન્દ્ર,સુરતના જયેન્દ્ર દેસાઈએ કરી કલેકટર સહિતના આગેવાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે કલેકટર ડૉ.ધવલ પટેલના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન મકવાણા નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સુરત જીલ્લા સહકારી સંઘના અને સ્વરાજ આશ્રમ, બારડોલીના અધ્યક્ષ ભીખા ઝવેર પટેલ તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દિલીપ ભક્તે પૂજ્ય બાપુ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. આઝાદી માટે બાપુ અને સરદારે આપેલા યોગદાનને યાદ કરી આપણને નસીબવંતા ગણાવ્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે પ્રસંગોચિત ઉદબોધન કરી જણાવ્યું કે, આવા કાર્યક્રમો થકી ગરીબ અને જરૂરતમંદ લોકોને સીધો લાભ થતો હોય છે, આથી આવા કાર્યક્રમો થવા જોઈએ. આમંત્રણને માન આપીને પોતાનો વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય કાઢી સમયસર પધારેલા કલેકટર ડૉ.ધવલ પટેલનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલ, સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ તેમજ ઓલપાડ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.આઈ.એમ.પટેલ, ગામના સરપંચ જયોતિબેન પટેલ તથા આજુબાજુના ગામના સરપંચો, ઓલપાડ-કામરેજ તાલુકાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગરીબ લાભાર્થીઓને ધાબળા અને સાડી વિતરણમાં કુલ 300 જેટલા લાભાર્થીઓ અને રાહતદરે ચશ્મા શિબિરમાં 270 લોકોએ લાભ લીધો હતો. આ સાથે આર્યુવેદ પદ્ધતિથી મફત નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. જેમાં મસા, પેટ અને પાચનતંત્રના રોગો, સ્ત્રી રોગ, કમરનો દુખાવો જેવા અન્ય રોગોમાં 285 લોકોએ નિદાન તપાસ કરાવી હતી. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં લાઈફ મિશન કેન્દ્રના સહયોગથી વોલ ટાઇલ્સ તથા સેવા સહકારી મંડળીના સહયોગથી ઓક્સિઝન માટેનું મશીન આરોગ્ય કેન્દ્રને અર્પણ કરાયું હતું. આ ઉપરાંત જીલ્લા વિકાસ અધિકારી,સુરતની ગ્રાન્ટ માંથી રુ. સાડા ત્રણ લાખના ખર્ચે આંખની તપાસ માટે ઓટો રિફલેટિક મશીન પણ આરોગ્ય કેન્દ્રને અર્પણ કરાયું હતું. આ સાથે આંગણવાડી ના ૪૦૦ જેટલા બાળકોને કુપોષિત માટે ફ્રુટ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સુરત કલેકટરે સાંધીએર ગામની ઐતિહાસિક વણઝારી વાવ, વર્ષો પુરાણી નરસિંહજી મંદિર અને ડી.આર.પરમાર હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી.
સાંધીએર ગામે સુરત કલેકટરની હાજરીમાં કાર્યક્રમ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનોએ લાભ લીધો
Advertisement