ઉકાઈ ડેમમાં 7 લાખ ક્યુસેક પાણીનો આવરો થતાં સપાટીમાં સડસડાટ વધારો
મધ્યપ્રદેશ ઉપરાંતહ મહારાષ્ટ્ર તેમજ તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમની સપાટીમાં સડસડાટ વધારો થઈ રહયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં સિઝનમાં પ્રથમવાર 6.95 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું હતું. પરિણામે ઉકાઈ ડેમની સપાટી હાલમાં 326.37 છે. હાલમાં પાણીનો આવરો 5.91 લાખ ક્યુસેક હોવાનું જાણવા મળ્યું છે. તાપી જિલ્લાના કુકરમુંડા 8ઇંચ તેમજ નિઝર તાલુકામાં 7 ઇંચ વરસાદ પડતાં સ્થાનિક પાણીનો આવરો પણ જોવા મળી રહ્યો છે.
મધ્યપ્રદેશમાં ગત સપ્તાહમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સારો એવો વધારો થયો હતો. ઉકાઈ ડેમની જળસપાટી 287ફૂટ હતી જે સડસડાટ વધી ને 320 ફૂટ પર પહોંચી ગયી હતી. હાલ પાણીની જોરદાર આવકને કારણે ડેમની સપાટી 326.37 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં વરસાદનું જોર વધતાં પાણીની આવક વધી હતી. દરમિયાન ગુરુવારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતાં હથનુર ડેમમાંથી 2લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તે ઘટાડીને શુક્રવારે મળકે ચાર વાગે 1.34 લાખ ક્યુસેક હતું. દરમિયાન ઉકઇડેમના ડાર્ક ઝોનમાં ભારે વરસાદ પડતાં સવારે સાત વાગ્યે ઉકાઇડેમની પાણી ની આવક 4.40 લાખ ક્યુસેક હતી, જે વધીને 2 કલાકમાં જ 5.37 લાખ ક્યુસેક થઈ હતી. એક તબક્કે પાણીની આવક 7 લાખ ક્યુસેક પાસે પહોંચી ગઈ હતી. હાલમાં ડેમમાં 5.91 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. આ પાણીની આવક જોતાં ઉકાઇડેમની જળસપાટી આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 328 ફૂટને પાર કરી જશે.
હાઈડ્રો પાવર દ્વારા 24 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ
સતત ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ઉકાઈ ડેમના વહીવટી તંત્રએ બપોરના 1 વાગ્યાથી ઉકાઈ ડેમના ચાર હાઈડ્રો પાવર સ્ટેશન દ્વારા 24 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 326.37 ફૂટ પર પહોંચી છે કાકરાપાર ડેમ તથા મોતીચેર ડેમમાંથી 32,167 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.