સૌજન્ય/D.B/=10 વર્ષની ઉંમરે 80 કિલોમીટર સાઈકલ ચલાવીને પેપર નાંખ્યા, રોજ સવારે 4 વાગ્યાથી રાત્રે 11.30 વાગ્યા સુધી સખત મહેનત કરી અને ચેમ્પિયનશિપમાં ભાગ લેવા 10 ટકા વ્યાજે રૂપિયા લીધા. જિંદગીમાં અસાધારણ સંઘર્ષ કરીને સુરતના દિપક મોરે છેલ્લે સુધી એમને નક્કી કરેલા લક્ષ્યનો સાથ છોડ્યો નહીં. છેલ્લે એનું પરિણામ મળ્યું. હવે તે વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટીંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે ફેડરેશનની વર્લ્ડ ચેમ્પિયનશિપ નાગપુર ખાતે યોજાનાર છે, જેમાં વિશ્વના 1 હજાર ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાશે.
આખો દિવસ પેપર નાંખવા સાઇકલ પર 70 કિમી ફરતો, રાત્રે લારી પર ડિશો સાફ કરતો, શરીર હારી જતું પણ મારી હિંમત નહીં
મારે ભણવું હતું, સ્પોર્ટસમેન બનવું એ મારું સપનુ હતું પરંતુ જિંદગીએ સાથ ન આપ્યો. હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા મૃત્યુ પામ્યા હતાં. મારો ભાઈ ડિસેબલ હતો અને મમ્મી લોકોના ઘર કામ કરીને ઘર ચલાવતા હતાં. પપ્પાનું મૃત્યુ થવાથી મારે ફરજિયાત મરજી વિરુદ્ધ એજ્યુકેશન છોડવું પડ્યું હતું. 8 વર્ષનો હતો ત્યારે જ મેં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી અને જિંદગીનું પહેલું કામ શરૂ કર્યુ હતું. ઘરે ઘરે પેપર નાખવાની મને નોકરી મળી ગઈ હતી. પ્રશ્ન એ હતો કે, સાઈકલ લેવાના મારી પાસે રૂપિયા ન હતાં. એટલે દોસ્તે 200 રૂપિયા આપીને સાઈકલ આપાવી. આ નોકરીમાં મને ખાસ કંઈ વધારે રૂપિયા ન હતા મળતાં પણ જે મળતા એમાં કામ ચલાવવું પડતું. એ મારા માટે કરોડો રૂપિયા જેટલા જ કિંમતી હતા. કારણ કે, મારે મારું ઘર ચલાવવાનું હતું. સવારે, બપોરે અને સાંજે એમ હું ત્રણ ટાઈમ પેપર નાંખવા માટે જતો હતો. રોજની 70 કિલોમીટર સાઈકલ ચલાવતો હતો. રાત્રે પાંઉભાજીની દુકાન પર વાસણ સાફ કરવાનું કામ કરતો. હું માત્ર 8 વર્ષનો હતો ત્યારે મારો દિવસ વહેલી સવારે 4 વાગ્યથી શરૂ થતો અને પાંઉભાજીની દુકાન પર 11.30 વાગ્યે પુરો થતો હતો. જિંદગીમાં મને રોજ રડવું આવતું હતું કે, આવી જિંદગી જીવવાની.ω માત્ર કામ જ કરવાનું પોતાના માટે કંઈ નહીં..ω મને આગળનો રસ્તો દેખાતો ન હતો. જિંદગીમાં સંઘર્ષો ચાલી રહ્યા હતાં, ત્યારે અચાનક નિતિન પરમાર મારા જીવનમાં આવ્યા અને મારી કહાની સાંભળીને મને એની ઓફિસમાં નોકરી આપી. મારે જિંદગીમાં કંઈક નવું કરવું હતું. મારા મામા 6 વખત નેશલ ચેમ્પિયન બન્યા છે. એટલે મેં પણ જીમ શરું કર્યુ. ધીમે ધીમે બોડી બનાવી અને બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેતો થયો. બોડી બનાવવા માટે પ્રોટીન, અને ડાયેટ પ્લાન પ્રમાણે ખાવું પડે છે. મારી પાસે રૂપિયા ન હતા એટલે 8 થી 10 ટકા વ્યાજે રૂપિયા લીધાને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં 3 વખત મિસ્ટર ગુજરાત, 2 વખત મિસ્ટર સાઉથ ગુજરાત અને 2 વખત મિસ્ટર સુરત તરીકેનો ખિતાબ જીત્યો છે. આજે એવું લાગે છે કે, મહેનતનો કોઇ વિકલ્પ નથી. સફળ થવા માટે કોઈ શોર્ટકટ નથી. પ્રોબ્લેમ સોલ્વ કરતા આવડી જાય તો તમે સફળ થઈ જાવ છો. માત્ર પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખવું જોઈએ. મહેનત કરશો એટલે સફળતા તો જરૂર મળશે. સફળતાં કદાચ મોડી મળે પરંતુ ન મળે એવું ક્યારેય ન બને. સંઘર્ષના સમયમાં હું ભાંગી પડ્યો હોત તો આ લેવલ પર પહોંચ્યો જ ન હોત. એ સમય કપરો હતો પણ ભવિષ્યના સોનેરી સમયની રાહમાં એ સંઘર્ષ પૂર્ણ સમય પર આસાનીથી પસાર કરી શક્યો. જીવનએ મને શીખ આપી કે જીતવું હોય તો કપરા રસ્તાઓમાંથી પણ પસાર થવું પડશે.’ દિપક મોરે
દિપક 3 વખત મિસ્ટર ગુજરાત, 2 વખત સાઉથ ગુજરાત બની ચુક્યો છે
ફેડરેશનની વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટીંગ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં સુરતના દિપક મોરેની પસંદગી થઇ