સૌજન્ય/સુરત: દિવાળી અગાઉ ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ દાણચોરી દ્વારા સુરતથી દિલ્હી લઇ જવાતી 52.48 લાખ બજાર કિંમતની સોનાની 16 બિસ્કિટ ભરૂચ નજીકના કરજણ પાસેથી વોચ ગોઠવી પકડી હતી. જેમાં દિલ્હીના બે દાણચોરોની ધરપકડ કરી કાર જપ્ત કરાઇ છે. સમગ્ર ઓપરેશન સુરત અને વડોદરાની ટીમે સંયુક્ત રીતે પાર પાડ્યું હતું. બે પૈકી અેક શખ્સે સોનાની 16 બિસ્કિટ પોતાના ગજવામાં જ રાખ્યા હતા.
16 બિસ્કિટ મોકલનાર સુરતના સ્મગલરની શોધખોળ
ડીઆરઆઇના સૂત્રોએ કહ્યું કે, અમદાવાદ ડીઆરઆઇને બાતમી મળી હતી કે વ્હાઇટ કલરની કાર(નંબર ડીએલએસ સીએસ 9662)માં સોનાની 16 બિસ્કિટ સુરતથી દિલ્હી લઇ જવામાં આવી રહી છે. આથી સુરત અને વડોદરા ડીઆરઆઇ તેમજ ડીજીજીઆઇ (ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્ટેલિજન્સ)ની ટીમ દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી.
બાતમીના આધારે અગાઉથી અધિકારીઓ વડોદરાના કરજણ ખાતે ગોઠવાઇ ગયા હતા. કાર દેખાતા જ અધિકારીઓએ તેને આંતરીને ચેકિંગ કર્યું હતું. જેમાં કારમાંથી 100 ગ્રામ વજન ધરાવતી કુલ 16 સોનાની બિસ્કિટ મળી આવી હતી. કુલ 1600 ગ્રામની બિસ્કિટનો ભાવ રૂપિયા 52.48 લાખ હતો. આ બિસ્કિટ સુરતની ડીઆરઆઇ ઓફિસ દ્વારા કબજે કરવામાં આવી છે.
કાર કબજે : દિલ્હીના 2નો જામીન પર છૂટકારો
અધિકારીઓએ કસ્ટમ એક્ટ, 1962 મુજબ કાર સિઝ કરી હતી ઉપરાંત કાર ચલાવી રહેલાં અને તેમાં બેસેલાં કુલ બે જણની પણ ધરપકડ કરી હતી. જો કે, બંને જણને કોર્ટમાં જામીન મળી ગયા હોવાનું પણ ડીઆરઆઇના સૂત્રોએ જણાવ્યું હતું.