સૌજન્ય/સુરત: યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાએ 49માં પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેના પોતાના ફોટા માટે આખું સોવેનિયર છપાવ્યું છે. જોકે, તેની પાછળ બારોબાર 6. 28 લાખનો ખર્ચ કરી નાંખતા વિવાદ સર્જાયો છે. આશ્ચર્ય એ વાતનું છે કે 46 પાનાનું છે અને કુલ 83 જેટલા ફોટામાંથી 77 ફોટામાં ગુપ્તાજી બધે દેખાય છે. સિન્ડિકેટ સભ્ય ડો. વી. ડી. નાયક, ડો. કશ્યપ ખરચિયા અને સંજય દેસાઇ ઇન્ચાર્જ રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી છે કે, સિન્ડિકેટ કે ફાયનાન્સ સમિતિની પરવાનગી લીધા વિના જ 49માં પદવીદાન સમારંભની સોવેનિયર છપાવવા પાછળ 6,28,000નો ખર્ચ કરી દીધો છે. કુલ 500 જેટલી કોપી છપાવવામાં આવી છે.
અડધું જ પેમેન્ટ કર્યું છે, ગેરરીતિ નથી
હા., સોવેનિયર બુક પાછળ રૂ. 6 લાખ આસપાસનો ખર્ચ થઈ ગયો છે. પણ અમે છાપકામ કરનાર કોન્ટ્રાક્ટરને અડધું પેમેન્ટ જ ચૂકવ્યું છે. અમે પહેલાની 250 બુકનું જ પેમેન્ટ જ ચૂકવ્યું છે. બાકીની 250 બુકનું પેમેન્ટ હજી બાકી છે. નાણાકીય ગેરરીતિ આચરી નથી. – ડો. શિવેન્દ્ર ગુપ્તા, કુલપતિ
5 લાખ સુધીના કોટેશન મગાવી શકે છે
ઓર્ડિનન્સ- 6 મુજબ કુલપતિ અને ઉપકુલપતિ ફાયનાન્સ કમિટી કે સિન્ડિકેટની મંજૂરી વગર જ યુનિવર્સિટીના દરેક વહીવટી, લાઇબ્રેરી અને ડિપાર્ટમેન્ટને રૂ 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવાની મંજૂરી આપી શકે છે . ઉપરાંત રૂપિયા પાંચ લાખ સુધીના કોટેશન પણ મગાવી શકે છે. ત્યારપછી તે અંગેની જાણ ફાયનાન્સ કમિટી અને સિન્ડિકેટને કરવાની હોય છે.