સુરતના અમરોલી-કોસાડ આવાસમાં ધમધમતા આસીફ અને સોહલના જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એમ્બ્યુલન્સમાં સવાર થઈ દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ખુલ્લેઆમ ધમધણતા અડ્ડાની ગંધ સુધ્ધાં અમરોલી પોલીસને નહીં આવતાં સાંઠગાંઠ હોવાની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમે રેડ કરી 76 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અમરોલી-કોસાડ આવાસમાં બિલ્ડીંગ નં.એચ 1 નજીક છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ ધમધમતા આસીફ અને સોહેલના અડ્ડા ઉપર રવિવારે મોડી સાંજે એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં મોટી સંખ્યામાં પત્તા રમવા માટેની કેટ અને મોબાઈલ સહિતની રોકડ રકમ પણ મળી આવી હતી.
રેડ માટે એસએમસીના અધિકારી અને સ્ટાફ દ્વારા નવી તરકીબ અપનાવવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસે એમ્બ્યુલન્સમાં મેડિકલ સ્ટાફ બની આવાસમાં પ્રવેશ કરી જુગારધામ ઉપર દરોડા પાડ્યાં હતાં. જેને પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આવાસમાં આસીફ અને સોહેલનો જુગારનો અડ્ડો ઘણા સમયથી બિન્દાસ્તપણે ખુલેઆમ ધમધમી રહ્યો હતો. પરંતુ અમરોલી પોલીસ ઊંઘમાં અથવા તો સાંઠગાંઠમાં હોવાથી ખ્યાલ ન આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.