સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનની પાલની વોર્ડ ઓફિસ દ્વારા ધાર્મિક ફોટાના શ્રદ્ધા પૂર્વક વિસર્જન કરવાનો નવતર પ્રયોગને સુરત પાલિકાએ અપનાવ્યો છે. આજથી સુરત શહેરની તમામ વોર્ડ ઓફિસમાં લોકોના ઘરમાંથી નીકળતા જુના ફોટાના નિકાલ માટે કલેક્શન સેન્ટર શરૂ કરવામા આવ્યા છે. આજે સુરતના મેયરે અઠવાલાઈન્સ વોર્ડ ઓફીસ ખાતેથી જુના ફોટા સ્વીકારવા માટેનું અભિયાન શરૂ કરાવ્યું હતું અને લોકોએ પણ આ અભિયાનને સમર્થન આપ્યું હતું.
દિવાળીની સફાઈ દરમિયાન લોકોના ઘરમાંથી જુના ધાર્મિક ફોટાના નિકાલ લોકો જાહેરમાં કરતાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. લોકોની દુભાતી લાગણીનો ખ્યાલ રાખવા માટે પાલ વોર્ડ ઓફિસ દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાલ વોર્ડ ઓફિસ દ્વારા તેમના વિસ્તારમાં ખુલ્લામાં ભગવાનના ફોટાનો નિકાલ જાહેરમાં થતો અટકાવવા માટે વોર્ડ ઓફિસ પર કલેક્શન સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં અત્યાર સુધીમાં લોકો 180 જુના ફોટા જમા કરાવી ગયા હતા અને વોર્ડ ઓફિસ દ્વારા લોકોની લાગણી ન દુભાય તેમ રીતે ધાર્મિક વિધિથી ફોટાનું વિસર્જન કરી તેમાંથી ખાતર બનાવી ગાર્ડનમાં ઉપયોગ કર્યો હતો. આ અંગેના અહેવાલ પ્રગટ થયા બાદ સુરતના મેયર દક્ષેશ માવાણીએ પાલ વોર્ડ ઓફિસના આ પ્રયાસને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે મેયર માવાણીએ આ અંગેનો એક વિડીયો જાહેર કરીને સુરતની તમામ વોર્ડ ઓફિસ પર જુના ફોટા કલેક્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે અઠવા લાઈન્સ વોર્ડ ઓફિસ પર પહેલા કલેક્શન સેન્ટરની શરૂઆત મેયરે કરાવી હતી. આ પ્રસંગે મેયર સાથે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને સ્થાનિક નગર સેવકો હાજર રહ્યા હતા. પહેલા જ દિવસે આ વોર્ડ ઓફિસ પર લોકો પોતાના ઘરમાંથી ભગવાનના જુના ફોટા લઈને આવ્યા હતા અને જમા કરાવી ગયા હતા. ત્યારબાદ હવે આખા સુરતની વોર્ડ ઓફિસ પર ફોટા કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને ભેગા થયેલા ફોટાનું ધાર્મિક વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવશે.
સુરત પાલિકા દ્વારા ભગવાનના જુના ફોટા સ્વીકારવા માટેનું અભિયાન શરૂ કર્યું
Advertisement