રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ દિલ્લીના રાષ્ટ્રપતિભવન ખાતે ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી. નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પસંદગી પામેલા સુરત જિલ્લાના ૧૮ યુવાઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના પ્રતિનિધિ તરીકે ગૌરવ પડાયા, દિપક જયસ્વાલ, મનોજ દેવીપૂજક, સત્યેન્દ્ર યાદવ, પરેશ વસાવા, વિજય ગુલીઉમર સહિતના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના આ યુવાઓએ માતૃભૂમિના ઋણસ્વીકાર સાથે દિલ્હીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી.
નોંધનીય છે કે, ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો ‘અમૃત્ત કળશ યાત્રા’ અને ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ના સમાપન સમારોહ યોજાયો હતો. માટીનું ઋણ ચૂકવવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાનએ તેમના મસ્તક પર તિલકરૂપે માટી લગાવી હતી. તેમણે જેમાં ભારતભરમાંથી દરેક ગામની એકત્ર થયેલી માટીમાંથી નિર્માણ પામનાર અમૃત્ત વાટિકા અને અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના દરેક પ્રાંતના લોકોએ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.