સુરતના કીમ અને માંડવીને જોડતા રાજ્ય ધોરી માર્ગની હાલત કફોડી બની છે. સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડતા અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. તંત્ર દ્વારા ખાડાઓ નહીં પુરાતાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. અકસ્માતોમા વાહનચાલકોના મોત થઇ રહ્યા છે. ત્યારે મોતનું કારણ બનેલા ખાડાઓને તંત્ર ક્યારે પુરશે? એ એક પ્રશ્ન છે. તંત્રની આવી બેદરકારીના કારણે સ્થાનિકો તેમ જ વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આમ તો સરકારે ગુજરાતને ગતિશીલ ગુજરાતનો દરજ્જો આપ્યો છે, ત્યારે આવા જ ગતિશીલ ગુજરાતમાં એક એવો સ્ટેટ હાઇવે છે જે હાઇવે પર કાર તો ઠીક પણ બાઈક ચલાવવું પણ વાહનચાલકો માટે મુશ્કેલ બન્યું છે. આ સ્ટેટ હાઇવે આવ્યો છે સુરતમાં, સુરતના કિમ અને માંડવીથી પસાર થતો રાજ્ય ધોરી માર્ગ (65) મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને જોડતો હાઇવે છે. ત્યારે આ રાજ્ય ધોરી માર્ગની હાલત અત્યંત દયનિય બની છે. સ્ટેટ હાઇવે પર પડેલા ઠેર-ઠેર ખાડાને લઈ અકસ્માતની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્ટેટ હાઇવેની હાલતમાં કોઈ સુધારો થયો નથી અને રસ્તા પર પડેલા ખાડાને લઈ વાહનચાલકો મોતને ભેટી રહ્યા છે.
કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ (65) 45 કિલોમીટર લાંબો અને ગુજરાતને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડતો મહત્ત્વનો માર્ગ છે. સુરત જિલ્લાના ઓલપાડ-માંગરોળ અને માંડવી તાલુકાના ગામો આ માર્ગ પર આવેલા છે. પરંતુ, દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઇ આ રસ્તાની હાલત બિસ્માર થઇ ગઈ છે. કીમ ચાર રસ્તાથી માંડવી સુધીમાં આખા માર્ગ પર માસમોટા કમર તોડ ખાડા પડી ગયા છે. તેમ જ હજી બે વર્ષ પહેલા બનેલા ભાટકોલ ગામ નજીક સ્ટેટ હાઇવે પરના પુલિયા પર ભ્રષ્ટાચારના સળિયા બહાર આવી ગયા છે, જેને લઇને બાઈક, મોપેડ સહિતના નાના વાહનોને અકસ્માત થવાનો ભય છે. છેલ્લા ઘણા મહિનાથી આ રોડ આ પરિસ્થિતિમાં બિસ્માર છે. મોટા ખાડાઓને કારણે વારંવાર આ માર્ગ પર અકસ્માત થાય છે તો મોટા તોતિંગ વાહનોમાં ખાડાને કારણે ખામી સર્જાતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાય છે. આ રસ્તાની કામગીરી માટે સરકાર દ્વારા ગત વિધાનસભા ચૂંટણી પહેલાં અંદાજિત 200 કરોડ મંજૂર કર્યા છે. પણ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી.
સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાને લઈ દરરોજ અકસ્માતની ઘટનાઓ બને છે, જેમાં વાહનચાલકોના જીવ પણ જાય છે અને કેટલાક વાહનચાલકો ઇજાગ્રસ્ત પણ થાય છે. થોડા દિવસ પૂર્વે જ કિમ-માંડવી સ્ટેટ હાઇવે પર પડેલા ખાડાએ એક બાઈકને અક્સ્માત નડ્યો હતો અને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. વારવાર રજૂઆત છતાં જવાબદાર અધિકારીઓ તેમ જ ચૂંટણી ટાણે દેખાતા કોઈ નેતાઓ હજુ આગળ આવ્યા નથી, જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે એ હાલ જરૂરી બની ગયું છે.