રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ થયો છે, જેના કારણે રાજ્યના મોટાભાગના ડેમોમાં પાણીની સારી આવક નોંધાઈ છે. ત્યારે છેલ્લા અઢી મહિના દરમિયાન સુરતના ઉકાઈ ડેમની સપાટીમાં 30 ફૂટ સુધીનો વધારો થયો છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદ થતા હથનુર ડેમમાંથી 3 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવક 2.86 લાખ ક્યુસેક જેટલી થવા પામી છે. આ સ્થિતિના પગલે તંત્રે સંભવિત પ્રભાવિત વિસ્તારોમાં લોકોને એલર્ટ કર્યા છે.
ઉકાઈ ડેમ 81 ટકા ભરાઈ જતા એલર્ટ
મળતી માહિતી મુજબ, છેલ્લા 48 કલાક દરમિયાન સારો વરસાદ થતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. આજે ડેમની સપાટી 338.12 ફૂટ સુધી નોંધાઇ હતી, જેથી ઉકાઈ ડેમ 81 ટકા સુધી ભરાઈ જતા એલર્ટ લેવલે પહોંચ્યો છે. જણાવી દઈએ કે, જૂન મહિનાથી ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી, ત્યારે ડેમની સપાટી 308.28 ફૂટ હતી. જ્યારે હાલના સમયમાં ડેમની સપાટી વધીને 338.12 ફૂટ સુધી પહોંચી છે. આમ અઢી મહિના દરમિયાન સપાટીમાં 30 ફૂટ જેટલો વધારો થયો છે. ઉકાઇ ડેમનું ભયજનક લેવલ 345 ફૂટ છે.
ઉપરવાસમાં ભારે વરસાદ થતા રેડ એલર્ટ
હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્રના હથનુર ડેમમાં પાણીની આવક ભયજનક લેવલ પર પહોંચતા 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. માહિતી છે કે ડેમના 41 જેટલા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ઉકાઈ ડેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 338.12 ફૂટે પહોંચી છે. જે આ સિઝનની મહત્તમ સપાટી છે.