સુરતના રાંદેર વિસ્તારમાં ગત મોડી રાતે પોલીસ મથકમાં નશામાં ધૂત મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈએ જોરદાર હંગામો મચાવ્યો હતો. પુત્રના મિત્રની બાઇક ચોરીની ફરિયાદ નહિ લેતા હોવાના આક્ષેપ સાથે નશામાં ધૂત એએસઆઈ રાંદેર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને દોઢ કલાક સુધી પોલીસ સ્ટેશન માથે લીધુ હતુ. સાથે જ સબ ઇન્સ્પેક્ટરને તુંકારાથી બોલાવી ધમકી આપી હતી કે, તારાથી થાય તે કેસ કરી લેજે. કે, રાંદેર પોલીસે નશામાં ધૂત હોવાનો કેસ કરી એએસઆઈની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત મોડી રાતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક પહોંચ્યા હતા અને ત્રણ પૈકી એકે પોતાના પિતા પોલીસમાં હોવાનું અને મિત્રની બાઇક ચોરીની ફરિયાદ કેમ લેતા નથી તેમ કહ્યું હતું. ત્યારે પોલીસે સ્ટેશનમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને મહિલા લોકરક્ષક હાજર હતા. યુવકે પોલીસ કર્મચારીઓ સાથે વાતચીતનું રેકોર્ડિંગ પણ શરૂ કર્યું હતું. જો કે, પોલીસે તેને આવું કરવાથી રોકતા યુવકે તેના પિતા અને મરીન પોલીસ મથકમાં ASI તરીકે નોકરી કરતાં સુરેશ ગોમાન ચૌહાણને બોલાવ્યા હતા.
ASI સુરેશ ગોમાન નશામાં ધૂત હાલતમાં રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. ASI ગોમાનએ દોઢ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ભારે હંગામો મચાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફના સબ ઇન્સ્પેક્ટરને બોલાવવાની ફરજ પડી હતી. સબ ઇન્સ્પેક્ટરે ASI ગોમાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ, તેઓએ કહ્યું કે, તારાથી જે થાય તે કેસ કરી લેજે. આથી પોલીસે ASI સુરેશ ગોમાનની અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા. આ મામલે રાંદેર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.