સુરતના કિમ નજીક નેશનલ હાઇવે 48 પર રાત્રે એક સાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવા કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક વાહન ચાલકોને નાનીમોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત જિલ્લામાં કિમ ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાત્રીના 12 વાગ્યાની આસપાસ એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલાં વાહનો એકબીજાની પાછળ ઘૂસી ગયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત થયાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતમાં અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય કોઈ મોટી જાનહાનિ નહીં થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.