પાંડેસરા પોલીસ ‘નો ડ્રગ્સ ઈન સીટી’ અભિયાનને સફળ બનાવવા તેમજ નશા અને તેને લગતી તમામ ચીજવસ્તુઓને સંપૂર્ણપણે નેસ્તાનાબૂદ કરવા આ પ્રકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સો અને મહિલાઓ પર પેટ્રોલિંગ દરમિયાન વોચ રાખીને બેઠી હતી. આ સમયે પાંડેસરા પોલીસના સર્વેલસ સ્ટાફને એવી બાતમી પણ મળી હતી કે, ‘પાંડેસરા, ગાયત્રી નગરની પાસે આવેલ ગોવર્ધનનગર સોસાયટીના પ્લોટ નં-06 વાળી બિલ્ડીંગમાં બીજા માળે રહેતી રાની ઉર્ફે રેખાસિંગ નામની મહિલાએ તેની રૂમમાં ગાંજાનો જથ્થો વેચાણ કરવા માટે છુપાવી રાખેલ છે. બાતમીને આધારે પોલીસે રેડ કરતાં સ્થળ પરથી આરોપી રાની ઉર્ફે રેખાસીંગ પંકજ સીંગ રાજપુત (રહે. ગોવર્ધનનગર પાંડેસરા) નાઓને ઝડપી પાડયા હતા.
પોલીસે ગાંજો વેચનાર મહિલાની ધરપકડ કર્યા બાદ તેના ઘરની તપાસ કરતા પોલીસને ઘરમાં સંતાડી રાખેલ 18,570 ની કિંમતનો 1 કિલો 857 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે પૂછપરછ કરતાં તેણીને ઉપરોક્ત ગાંજાનો જથ્થો અનિતા સોલંકી ઉર્ફે મારવાડી તથા શ્રવણ બાબુભાઇ સોલંકી ઉર્ફે મારવાડીઓએ આપેલ હોવાની કબૂલાત કરી હતી ત્યારે પોલીસે મહિલા આરોપી અનિતા સોલંકીની પણ ધરપકડ કરી હતી. પોલીસે શ્રવણ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યુ કે, રાની ઉર્ફે રેખા શ્રવણ મારવાડીના ઘરે ઘરકામ કરવા જતી હતી. શ્રવણ અને અનિતા બંને ભાઈ-બહેન છે. ભાઈ-બહેન મળી રાની ઉર્ફે રેખાને ગાંજાનો જથ્થો આપ્યા હતા. ફક્ત એટલું જ નહીં આરોપી શ્રવણ વિરુદ્ધ અગાઉ પણ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.