સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચિંગ કરતા બે ઇસમોને ડિંડોલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે 71 મોબાઇલ, મોપેડ સહિત કુલ રૂપિયા 5.52 લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ 7 ગુના ઉકેલાયા છે. બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.
ડીંડોલી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, છેલ્લા એક મહીના દરમિયાન ડીંડોલી વિસ્તારમાં 4044 નંબરની બ્લૂ કલરની એક્સેસ મોપેડ લઇને મોબાઇલ સ્નેચિંગ કરતા બે ઇસમો સ્નેચિંગ કરેલા મોબાઇલો વેચવા માટે ભીમનગર રેલવે ગરનાળા પાસે આવેલા સંતોષીનગર પાસે આવનાર છે. જેથી પોલીસના માણસો આજુબાજુમાં ગોઠવાઇ ગયા હતા. દરમિયાન 4044 નંબરની બ્લૂ કલરની એક્સેસ મોપેડ ઉપર બે ઇસમો આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. મોપેડ ચલાવનારનું નામ પુછતા મેહુલ માર્ટીનભાઇ ગોહીલ અને મોપેડ પાછળ બેસેલા ઇસમનુ નામ જીતુ છત્રપાલ સોનકર હોવાનું જણાવ્યું હતું. બન્ને ઇસમોની અંગ ઝડતી કરતા 6 મોબાઇલ મળી આવ્યા હતા. એક્સેસ મોપેડની ડીકીમાંથી બીજા 51 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઇલ ફોન બાબતે પૂછપરછ કરતા સુરત શહેરના અલગ-અલગ વિસ્તાર અને ડીંડોલી વિસ્તારમાંથી સ્નેચિંગ અને ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ખાત્રી કરતા મોબાઇલ સ્નેચિંગના 6 ગુના અને મોબાઇલ ચોરીનો 1 ગુનો દાખલ થયો હોવાની હકીકત જાણવા મળી હતી. બન્ને ઇસમો પાસેથી પકડાયેલા આ મોબાઇલ ફોન સંતોષીનગર પાસે આવેલા કંજરવાડમાં બીલ વગરના મોબાઇલ ખરીદી અલગ-અલગ મહિલાઓને વેચવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. બન્ને ઇસમોની વધુ કડકાઇથી પુછપરછ કરતા જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલા કુંજરવાડમાં કોઇ અજાણી મહીલાને 10 મોબાઇલ ફોન વેચ્યા હતા અને આવી ચાર-પાંચ મહિલાઓ બીલ વગરના મોબાઇલ ખરીદવા માટે કંજરવાડ રેલવે પટરી પાસે ઉભી રહે છે.
બન્ને ઇસમોને સાથે રાખી કંજરવાડમાં લઇ જતા તેઓએ જેને મોબાઇલ વેચ્યા હતા તે મહિલાઓ મળી આવી ન હતી, પરંતુ રેલવે ટ્રેક સામે RCC ની દિવાલ પાસે આવતા અન્ય એક બબીતા રાજનટ નામની મહિલા કપડાની થેલીમાં બીલ વગરના 14 મોબાઇલ ફોન સાથે મળી આવી હતી. બન્ને ઇસમો પાસેથી કુલ-57 મોબાઇલ ફોન અને અન્ય એક મહિલા પાસેથી 14 મોબાઇલ ફોન મળી કુલ 71 મોબાઇલ ફોન રૂ.4.72 લાખ, એક બ્લ્યુ કલરની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ 80 હજાર મળી કુલ રૂ.5.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 7 ગુના ડીટેક્ટ કર્યા છે. કબ્જે કરેલ મોબાઇલ ફોન સિવાયના તમામ ફોનના IMEI નંબર ટ્રેસ કરી મુળ માલીકોને શોધવાની તજવીજ ચાલુ છે.