ઓલપાડ પોલીસે ગોથાણ ગામે રેઇડ કરી રૂ.૬૯,૬૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ ગુનામાં પોલીસે રોહિત ઉર્ફ રાજા તથા ત્રણ અજાણ્યા બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાયણ પીએસઆઇ યુ.કે.ભરવાડને બાતમી મળી હતી કે, ગોથાણ ગામથી અબ્રામા ગામ તરફ જતા રેલવે ટ્રેકની સાથે નવા રોડની બાજુની પડતર જગ્યામાં અમરોલી આવાસમાં રહેતો રોહિત ઉર્ફે રાજાએ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. આ બાતમીના પગલે પીએસઆઈ યુ.કે.ભરવાડ પોલીસ ટીમ સાથે જયારે બાતમી સ્થળે રેઇડ કરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તે એક ઈસમ મોપેડ નં:જીજે-૦૫, એલટી-૬૪૮૦ હંકારી સામે આવી રહ્યો હતો. આ ઈસમ પોલીસને જોઈ મોપેડ રોડ સાઈટ પાર્ક કરી ખેતારાડી રસ્તે ભાગી ગયો હતો. પોલીસે આ મોપેડની તલાસી લેતા ડીકીમાંથી રૂ.૧૪,૪૦૦ ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જયારે ખુલ્લી જગ્યામાંથી રૂ.૫૫,૨૦૦ ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કુલ રૂપિયા ૬૯,૬૦૦ નો વિદેશી દારૂ કબજે લીધો હતો. પોલીસે આ રેઇડ દરમ્યાન વિદેશી દારૂ સહિત રૂ.૫૦,૦૦૦ ની કિંમતની મોપેડ તેમજ ગુના સ્થળેથી નંબર વગરની રૂ.૭૦,૦૦૦ ની કિંમતની સુઝુકી મળી કુલ ૧,૮૯,૬૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ ગુનામાં પોલીસે રોહિત ઉર્ફ રાજા(રહે.અમરોલી આવાસ)તથા ત્રણ અજાણ્યા બુટલેગરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આસ્તિક પટેલ