ઓલપાડ કાંઠાના મોર ગામના દરિયાકાંઠે રવિવારે દરિયાઈ ભરતીના પાણીમાં ખેંચાઈને આવેલ એક મહાકાય વ્હેલ માછલી કાદવમાં ફસાઈ ગઈ હતી. જોકે આ વ્હેલ માછલીને ગ્રામજનો મત્સ્ય અને વનવિભાગે સોમવારે બપોર બાદ બોટ દ્વારા ખેંચી દરિયામાં આવેલ ભરતીના પાણીમાં ફરી તરતી મુકવામાં સફળતા મળતા સરકારી તંત્ર અને ગામના માછીમારોની મહેનત રંગ લાવી છે.
વિગત મુજબ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના છેવાડાના મોર ગામના દરિયા કાંઠે રવિવારે દરિયાઈ ભરતીના પાણીમાં આશરે ૩ ટન જેટલું વજન ધરાવતી ૨૨ ફૂટ લાંબી વ્હેલ માછલી ખેંચાઇ આવી હતી.જોકે ભરતીના પાણી ઓસરી જતા આ વ્હેલ માછલી કાદવમાં ફસાઈ ગઈ હતી. રવિવારે મોડી સાંજે મહાકાય વ્હેલ માછલી ફસાઈ ગઈ હોવાની જાણ થતાં મોર અને નજીકના જીણોદ ગ્રામજનોના ટોળેટોળાં દરિયાકિનારે ઉમટી પડ્યા હતા.જોકે મહાકાય વ્હેલ જીવતી જણાતા ગ્રામજનો અને માછીમારોએ માછલીના મોં ઉપર પાણીના ડબ્બાઓ ભરી પાણીનો છંટકાવ કર્યા બાદ સરકારી તંત્રને જાણ કરી હતી. જેથી ઘટના સ્થળે આવેલ પોલીસ સહિત વન અને મત્સ્ય વિભાગના કર્મીઓની ટીમે મોડી રાત્રે માછીમારોની મદદથી કાદવમાં ફસાયેલ વ્હેલને ઘસેડી દરિયાના પાણીમાં ધકેલવા ઘણા પ્રયાસો કર્યા છતાં તેમાં નિષ્ફ્ળતા મળી હતી.છેવટે સરકારી તંત્રએ વ્હેલને જીવતદાન આપવા રવિવારની મોડી રાત્રે ગ્રામજનોની મદદથી ઘટનાસ્થળે જેસીબી મશીનથી મહાકાય ખાડો ખોદાવી એન્જીન મશીન દ્વારા ખાડામાં પાણી ભર્યું હતું અને વ્હેલ માછલીને ઈન્જેકશન દ્વારા ઓક્સિજન પણ આપતા તેને સોમવારે બપોર સુધી જીવતદાન મળ્યું હતું.
જો કે ઘટનાસ્થળે હાજર સૌ કોઈ સોમવારની વહેલી સવારથી દરિયાઈ ભરતીના પાણીની રાહ જોઈ રહ્યા હતા. જયારે બપોર બાદ દરિયાઈ ભરતીના પાણી ખાડામાં ફસાયેલ વ્હેલ માછલી સુધી પહોંચતા સરકારી તંત્રના કર્મીઓએ ગ્રામજનો અને માછીમારો યુવાનોના સહકારથી આ વ્હેલને બોટ દ્વારા ખેંચી ફરી દરિયાના પાણીમાં તરતી મુકવા ભારે જહેમત ઉઠાવી હતી.જેમાં સફળતા મળતા કાદવમાં ફસાયેલ આ વ્હેલ માછલી ફરી દરિયાઈ ભરતીના પાણીમાં તરતી જોવા મળતા હાલ તો તેને જીવતદાન મળ્યું છે.
ઓલપાડના મોર ગામના દરિયાકાંઠે કાદવમાં ફસાયેલ વ્હેલ માછલી દરિયાઈ ભરતીના પાણીમાં તરતી કરાઈ
Advertisement