રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહ અને સંબંધનો તહેવાર છે. રક્ષાબંધનને તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવાર પૂર્વે સુરતમાં એક અનોખા રાખી ફેસ્ટિવલની આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સાયન્સ સેન્ટર ખાતે 160 સ્કેવર ફૂટ લાંબી ફૂડ રાખી તૈયાર કરવામાં આવી હતી. વિશ્વમાં પ્રથમ વખત આ પ્રકારે ફૂડ રાખીનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખી તૈયાર કરાઈ
મળતી માહિતી મુજબ, સુરતના સાયન્સ સેન્ટર ખાતે ટ્રાફિક અવેરનેસ ગ્રૂપ, લાયન્સ ક્લબ ઓફ સુરત રોયલ્સ અને સુરત મનપા દ્વારા એક અનોખા રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી મોટી 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખી તૈયાર કરવામાં આવી હતી. વિશ્વમાં પહેલીવાર આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તૈયાર કરેલ રાખડીની અંદર ગુજરાત અને કેન્દ્ર સરાકરની વિવિધ યોજનાઓની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત, રાખડી પર ખાસ 56 ભોગની વિવિધ વાનગીઓ પણ રાખવામાં આવી હતી.
મહિલાઓ પ્રત્યે માન-સન્માન વધે તેવો ઉદ્દેશ્ય
આ કાર્યક્રમમાં શહેરના મેયર હેમાલીબેન બોધાવાલા, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને સ્થાનિક કોર્પોરેટરો સહિત અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માહિતી અનુસાર, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ પ્રત્યે માન-સન્માન વધે તે પ્રકારનો હતો. 160 સ્ક્વેર ફૂટ લાંબી આ ફૂડ રાખડીમાં મહિલાઓ માટે સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ગરીબ અને સામાન્ય વર્ગની મહિલાઓ સાથે મિજબાની માણવામાં આવી હતી.