સુરતના વરાછા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી અને હોમગાર્ડને બુટલેગર પાસેથી ઝડપેલા દારૂના જથ્થાને જમા કરવા કે પછી બુટલેગર સામે કાર્યવાહી કરવાને બદલે પોતાની કારમાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતા પહેલા અન્ય પોલીસકર્મીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ મામલે હોમગાર્ડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસકર્મી હાલ ફરાર છે. પોલીસે બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં પીસીઆરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લખન અને હોમગાર્ડ મિલનને બાતમી મળી હતી કે, વરાછાના પટેલનગર વિસ્તારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આથી બંનેએ પટેલનગરમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જોકે, દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ બંનેએ પૈસા કમાવાવાની લાલચમાં બુટલેગર સામે કેસ દાખલ ન કરી દારૂનો જથ્થો પોતાની ખાનગી કારમાં મૂકાવી દીધો હતો. આ કાર લખનની હતી.
બંનેએ દારૂની હેરાફેરી કરવા માટે અને કોઈને શંકા ન જાય તે માટે આ કાર સરદાર પોલીસ ચોકી પાછળ આવેલા પાલિકાના પાર્કિંગમાં મૂકી હતી અને તેના પર કપડું ઢાકી દીધું હતું. જો કે, આ મામલે વરાછા પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીને જાણ થતા પોલીસે તાત્કાલિક તે જગ્યાએ જઈ તપાસ આદરી હતી. દરમિયાન કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે કાર, દારૂનો જથ્થો જપ્ત કરી હોમગાર્ડ મિલન વિરાણીની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ લખન હાલ ફરાર છે. પોલીસે બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે કુલ રૂ. 6.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને લખનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.