સુરતના કતારગામમાં ગ્રાહકના સ્વાંગમાં આવી લાઇટરવાળી ગન તેમજ ચપ્પુની અણીએ જ્વેલર્સની દુકાનમાં ધૂસી લૂંટનો પ્રયાસ કરતા ત્રણ ઇસમોને દુકાન માલિક અને અન્ય લોકોએ ભેગા મળી ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કતારગામમાં આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્ષમાં મુકેશભાઈ ગુપ્તા વૈષ્ણોદેવી જ્વેલર્સ નામથી દુકાન ધરાવી સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે. બુધવારે સવારે 9 વાગ્યે મુકેશભાઈ ઘરેથી તેમની દુકાને પહોંચ્યા હતા. ત્યારે ગ્રાહકના સ્વાંગમાં ચાર યુવકો ત્યાં આવ્યા હતા અને મુકેશભાઈને લાઇટરવાળી ગન તેમ જ ચપ્પુ બતાવીને ધમકાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે, મુકેશભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ત્યાં ભેગા થયા હતા.
લોકોની ભીડ ભેગી થતા આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચાર પૈકી એક આરોપીને લોકોએ પકડીને કતારગામ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોએ પકડેલા આરોપી તૌફિક નાસિરભાઇ મકવાણાને પોલીસને સોંપ્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, જવેલર્સ માલિકના એક પરિચિતે જ તેમને લૂંટની ટીપ આપી હતી.