રાજ્યમાં હવે તહેવારોની સીઝન શરૂ થવાની છે. ત્યારે રક્ષાબંધન પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરી દુકાનોમાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતા માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબમાં મોકલવામાં આવ્યા છે.
તહેવારો પહેલા પાલિકાની તપાસ શરૂ થઈ જતી હોય છે. ત્યારે સુરતમાં પણ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી છે. મીઠાઈમાં વપરાતા માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલો લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કોઈ પણ સેમ્પલમાં ખામી જણાશે તો વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
માહિતી મુજબ, શહેરના દરેક ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે અને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાક નાગરિકોનું કહેવું છે કે, માત્ર તહેવારોમાં જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. લેબની રિપોર્ટ પણ ઝડપી આવે અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા જવાબદાર વેપારીઓ સામે કડક અને ઝડપી કાર્યવાહી થવી જોઈએ.