સુરતમાં પુણા વિસ્તારને મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2006 થી કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, તેમ છતાં ઘણા વર્ષોથી વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી રહીશો દ્વારા સમયાંતરે વિરોધ દાખવવામાં આવે છે. આ મુદ્દે કોર્પોરેશનની બહાર મોટી સંખ્યામાં લોકો દ્વારા ઘરણાં પ્રદર્શન થતા આખરે મેયર હેમાલી બોધાવાલાને પાછલા બારણેથી ભાગવાની ફરજ પડી હતી, જેના કારણે ભારે હોબાળો થયો છે.
જણાવી દઈએ કે, સાલ 2006 થી સુરત શહેરના વોર્ડ નં. 16 પુણા વિસ્તારને કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે, તેમ છતાં વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે રોડ-રસ્તા, ડ્રેનેજ લાઈન, 24 કલાક પાણીનો અભાવ હોવાથી વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે રહીશો દ્વારા કોર્પોરેશનની ઓફિસે મોરચો લઈ જવાયો હતો. આપ પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયા રહીશો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોર્પોરેશનની ઓફિસ બહાર કલાકો સુધી વિરોધ પ્રદર્શન થતા મેયર હેમાલી બોઘાવાલા પોતાની ગાડી કોર્પોરેશન કાર્યાલય પર મૂકીને પાછલા બારણેથી પીએની બાઇક પર બેસીને ભાગી ગયા હતા અને કોઈ જવાબ પણ આપ્યો નહોતો.
આ મામલે આપના કોર્પોરેટર પાયલ સાકરીયાએ કહ્યું હતું કે, સ્થાનિકોના પ્રશ્નોના સમાધાન માટે અમે મેયર સાથે મુલાકાત કરવા માગતા હતા. પરંતુ, મેયર વાતચીત ન કરી અને કોઈ પણ જવાબ આપ્યા વિના જતા રહ્યા હતા. તેમણે કહ્યું કે, જો તમારે સ્થાનિકોની સમસ્યાઓનો ઉકેલ લાવ્યા વગર પાછલા બારણેથી પીએની બાઇક પર બેસીને ભાગી જ જવું હોય તો મેયરનું પદ શા માટે લીધું. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે તેમની પાછળ પણ ગયા પરંતુ માર્શલોની મદદથી મેયર પીએની બાઇક પર બેસીને ભાગી ગયા હતા.