ચોમાસા દરમિયાન સુરતમાં અનેક વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે હવે કપોદ્રા વિસ્તારમાં બીઆરટીએસ બસના કોરિડોરમાં મસમોટો ભૂવો પડ્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્રના અધિકારીઓ દોડતા થયા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા આર્દશનગર સોસાયટી નજીકના બીઆરટીએસ રૂટમાં આજે મસમોટો ભૂવા પડ્યો હતો. ભૂવા અંગેની માહિતી મળતા જ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી. બીઆરટીએસ રૂટમાં ભૂવો પડતા હાલ ત્યાંથી અવરજવર પર રોક લગાવવામાં આવી છે અને ભૂવાના સમારકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વરાછા ઝોનના એક અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતા તાત્કાલિક અમારી એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રેનેજ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. હાલ ભૂવાનું સમારકામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં ભૂવા પડતા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે.