સુરતના લિંબાયત વિસ્તારમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં એક યુવક બાળકને રમાડતા રમાડતા પહેલા માળેથી નીચે પટકાયો હતો. આ દુર્ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં 25 વર્ષીય મુકેશ શાહુ પરિવાર સાથે રહેતો હતો. મુકેશ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 16 ઓગસ્ટના રોજ મુકેશ લિંબાયત વિસ્તારમાં જ રહેતા તેના એક મિત્રના ઘરે ગયો હતો. જ્યાં પહેલા માળે મિત્રના પાડોશીના બાળકને રમાડતા સમયે મુકેશે સંતુલન ગુમાવ્યું હતું અને બાળક સાથે જ નીચે પટકાયો હતો.
આ દુર્ઘટના સર્જાતા સ્થાનિકો ભેગા થયા હતા અને ઇજાગ્રસ્ત મુકેશને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે મુકેશને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે, બીજી તરફ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આશાસ્પદ મુકેશના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.