સૌજન્ય-સુરત: લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી હત્યા કરનારાને પાંચમા દિવસે પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. અધમ કૃત્ય કરનારા અનિલ યાદવને ક્રાઇમ બ્રાંચ, લિંબાયત પોલીસની ટીમે બિહાર પોલીસની મદદથી બિહારના ધનસૂરી ગામેથી દબોચી લીધો હતો.બાળકીની હત્યા કરનારો અનિલ યાદવ ગુનો કર્યા બાદ બિહાર તરફ રવાના થયો હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હતી. એ સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને લિંબાયત પોલીસની ટીમ બિહાર તરફ રવાના થઈ ચૂકી હતી.પોલીસે આરોપી અનિલના મોબાઈલ નંબર મેળવી તેના વતનના દસ લોકો સુધી પોલીસ પહોંચી હતી. જેની સાથે અનિલ સંપર્કમાં હતો. એ દસે દસની પોલીસે પૂછપરછ કરી. જેમાંથી એક વ્યક્તિએ પોતાના ઘરમાં અનિલ યાદવ છુપાયો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્યાં પહોંચી જઈ અનિલને દબોચી લીધો હતો.
બાળકીના માતા-પિતાએ કહ્યું હવે ઝડપથી કેસ ચલાવી નરાધમને ફાંસી અપાવો
બાળકીની હત્યા કરનારો અનિલ યાદવ ગુનો કર્યા બાદ બિહાર તરફ રવાના થયો હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ હતી. એ સાથે જ ક્રાઇમ બ્રાંચના એક અને લિંબાયત પોલીસના એક મળી કુલ બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને છ પોલીસ કર્મચારી બિહાર તરફ રવાના થઈ ચૂકી હતી.પોલીસે આરોપી અનિલ યાદવનો મોબાઇલ નંબર મેળવી લીધા બાદ તેના આધારે તેના વતનના દસ લોકો સુધી પોલીસ પહોંચી હતી. જેની સાથે અનિલ યાદવ ફોન પર સંપર્કમાં હતો. એ દસે દસની પોલીસે અલગ અલગ પૂછપરછ કરી. જેમાંથી એક મિત્રએ પોતાના ઘરમાં અનિલ યાદવ છુપાયો હોવાની કબૂલાત કરી હતી. એ સાથે જ પોલીસે ત્યાં પહોંચી જઈ અનિલને દબોચી લીધો હતો. બિહાર પોલીસના સહકારથી બિહારના ધનસૂરી ખાતેથી શુક્રવારે બપોરે બે વાગ્યે પકડાયો હતો. આ બાબતે પોલીસ કમિશનર સતીશ શર્માનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આરોપી પકડાઇ ગયો છે. ગયા રવિવારે ગોડાદરા વિસ્તારમાંથી સાડા ત્રણ વર્ષની બાળકી ઘર નજીક રમતી રમતી ગુમ થઈ ગઈ હતી.
સોમવારે સાંજે ચાર વાગ્યે હત્યા કરાયેલી લાશ મળી હતી. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે. તેની નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવ (ઉ.વ.22)એ બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી. બીજી બાજુ મદદનીશ પોલીસ કમિશનર વિનય શુક્લ અને તેમની ટીમે સીસી કેમેરા ચેક કર્યા તો ખ્યાલ આવ્યો કે બાળકી સોસાયટીની બહાર નીકળી જ નથી. સોમવારે સાંજે ચાર વાગ્યે બંધ મકાનનું તાળું તોડી તેમાં તપાસ કરી તો તેમાંથી બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. નરાધમની ધરપકડ પછી બાળકીના માતા-પિતાએ કહ્યું હતું કે નરાધમ પકડાયો છે પરંતુ અમારી દીકરી તો પાછી આવી શકતી નથી. જોકે પોલીસ આનો કેસ ઝડપથી ચલાવીને હેવાનને ફાંસી અપાવે તો અમને ન્યાય મળશે.
6 બહેનો અને 4 ભાઇ, લગ્નની વાત ચાલતી હતી
અનિલ યાદવ છેલ્લા બે વર્ષથી ગામ ગયો જ ન હતો. તેનો એક મોટો ભાઇ છે જેના લગન થઇ ગયા છે જ્યારે અનિલ લગ્નની વાત હાલ ચાલી રહી હતી. તેને બીજા ત્રણ નાના ભાઇ પણ છે. આ ઉપરાંત છ બહેનો છે. ગામમાં સિવિલ ડ્રેસમાં ઘણીવાર પોલીસ ગઇ હતી પરંતુ પરિવારના લોકોને ગંધ ન આવે તે માટે કોઇ પૂછતાછ કરી ન હતી. ગામના જ એક બીજા અનિલ નામના છોકરાની અટક કરીને પછી છોડી દીધો હતો. આ ઘટના પછી તેણે પરિવારમાંથી કોઇને પણ સંપર્ક કર્યો ન હતો.
માતાને ફોન પર કહ્યું કે નોકરી છૂટી ગઇ છે
અનિલે છેલ્લે 7 ઓક્ટોબરે તેની મા સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે, સુરતમાં તે જે કંપનીમાં કામ કરે છે એ કંપની બંધ થઇ ગઇ છે. નોકરી પરથી તેને કાઢી મુકવામાં આવ્યો છે. તે નોકરી શોધી રહ્યો છે. તેણે એમ પણ કહ્યુંહતું કે એક બીજી કંપનીમાં નોકરી માટે વાત થઇ છે. પણ તે કંપનીમાં ફોનનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે હવે તેનો ફોન બંધ રહેશે. પછી ફોન કર્યો ન હતો.
પાંડેસરામાં ચાર વર્ષની બાળકીની હત્યામાં બે મહિને પણ ઓળખ નહીં
બે મહિના અને 10 દિવસ પૂર્વે 7 ઓગસ્ટે પાંડેસરા વિસ્તારમાંથી 4 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી. આટલા સમય પછી પણ બાળકીની ઓળખ થઇ શકી નથી. તેવા સંજોગોમાં પોલીસે નવો રસ્તો અપનાવ્યો છે. સરકાર તરફથી રૂ. 4.50 લાખની સહાય મળે છે. તે સહાય માટે બાળકીના માતા-પિતા અથવા સંબંધીની સહીની જરૂર હોવાથી પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરાઇ છે. પરિવાર પોલીસ કન્ટ્રોલ રૂમના ફોન નં. ૧૦૦ ઉપર અથવા તો પાંડેસરાના પીઆઈ કે.બી.ઝાલાના 9727780130, ઝોન 2ના ડીસીપી બીઆર પાંડોરના 9978405576 પર ફોન કરીને માહિતી આપી શકશે.