સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત અગ્રેસર રહેતા સુરતના કેટલાક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન સાથે દબાણ દુર કરવા અભિયાન પહોચ્યું ન હોવાથી સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલા પુણાગામ અર્જુન નગર ચોકડી વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ અને ગંદકીથી ત્રાહિમામ પોકારતા લોકોએ આજે હલ્લાબોલ કર્યું હતું. આ વિસ્તારમાં આંગણવાડીની આસપાસ પારાવાર ગંદકી, કેટલાક લોકોએ દબાણ કરી ઝુંપડા બનાવી દીધા છે તેના કારણે થતી ગંદકી જો પાલિકા તંત્ર ત્વરિત દુર નહી કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં પુણા વિસ્તાર આવ્યો છે પુણા વિસ્તારની કેટલીક સોસાયટીમાં ગંદકીના મુદ્દે છેલ્લા પાંચ વર્ષથી ગંદકી અને દબાણની ફરિયાદ છે. વોર્ડ નંબર 17 માં અર્જુન નગર ચોકડી વિસ્તારની સોસાયટીના રહીશોએ આજે હલ્લાબોલ કરતાં કહ્યું હતું કે, લાંબા સમયથી અમારી સોસાયટીની પાછળના રસ્તા પર દબાણ કરવામાં આવ્યું છે ઝુંપડા બનાવીને રહેતા લોકો જાહેરમાં કચરો નાખી રહ્યા છે અને ગંદકી કરી રહ્યાં છે. સ્વર્ગ રેસીડેન્સી અને રાજ પેલેસ દ્વારા અનેક અરજી કરવામાં આવી છે પરંતુ કોઈ સફાઈ કરવામાં આવતી નથી કે દબાણ દુર કરવામાં આવતા નથી.
મહિલાઓએ આક્રોશ પૂર્ણ રીતે કહ્યું હતું કે, અહી નંદ ઘર છે પરંતુ આસપાસ ભારે ગંદકી છે અને આ વિસ્તારમાં ગંદકી સાથે સાથે ટપોરીઓનો પણ ઉપદ્રવ છે મહિલાઓને ઘરની બહાર નીકળવા પણ બીક લાગે છે. આ રોડ પર લોકોએ ગેરેજ બનાવી દીધા છે અને દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ગંદકીના કારણે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. જો આ ગંદકી દૂર કરવા સાથે સાથે દબાણ પણ દુર ન કરે તો મહિલાઓ વિસ્તારના લોકો સાથે સાથે ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરીશું. આવું કહેવા સાથે સ્થાનિકોએ પાલિકા કે શાસકોની હાય હાય ને બદલે હાય રે ગંદકી હાય હાય બોલાવી હતી.